જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામમાંથી લગ્ન નોંધણીને લગતો એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે. માત્ર આશરે 700ની વસ્તી અને 170 જેટલાં ઘરો ધરાવતા આ ગામમાં ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં એક-બે નહીં, પરંતુ 431 લગ્નની નોંધણી થઈ હોવાનું આરટીઆઈ હેઠળ પ્રાપ્ત વિગતોમાં બહાર આવ્યું છે. આટલી નાની વસ્તી ધરાવતા ગામમાં આટલી મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કેવી રીતે થઈ? આ નોંધણીઓ પાછળનું રહસ્ય શું છે? તેવા અનેક સવાલો ઊઠ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નાગપુર ગામના તલાટી કમ મંત્રી જગદીશભાઈ ચાવડા દ્વારા લગ્નની નોંધણી કરવામાં આવી હોવાનું આરટીઆઈના જવાબમાં સામે આવ્યું છે. તા. 30-11-2025થી તા. 25-02-2026 સુધીના સમયગાળામાં કુલ 431 લગ્ન નોંધાયા હોવાનું જાણવા મળતાં આ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.આ પ્રકરણની શરૂૂઆત રાજકોટ જિલ્લાના પડધરી પંથકના એક નાગરિક ઉદયભાઈ વસંતભાઈ અગ્રાવતની પુત્રીના લગ્નની નોંધણી અંગે ઊભી થયેલી શંકાથી થઈ હોવાનું જાણવા મળે છે. તેમની પુત્રીની ઉંમર 18 વર્ષ અને બે મહિના થતાં ચોથા જ દિવસે લગ્ન થઈ ગયાની જાણ થતાં અને પુત્રીએ પિતાનું ઘર છોડી દીધું હોવાની પરિસ્થિતિમાં પિતાએ લગ્ન અંગેની વિગતો મેળવવા તપાસ શરૂૂ કરી હતી. પુત્રીના લગ્નની નોંધણી કયા સ્થળે થઈ છે તેની માહિતી મેળવવાની પ્રક્રિયા દરમિયાન નાગપુર ગામનું નામ સામે આવ્યું હતું.
ત્યારબાદ લગ્ન નોંધણી અંગે વધુ વિગતો મેળવવામાં આવતાં એક પછી એક ચોંકાવનારી હકીકતો બહાર આવવા લાગી હતી. રાજકોટ, જામનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક પરિવારોનાં લગ્ન નાગપુર ગામે નોંધાયેલા હોવાનું જાણવા મળતાં આ સમગ્ર બાબત વધુ ગંભીર બની હતી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યાં આશરે 700 લોકોની વસ્તી અને માત્ર 170 જેટલાં મકાનો છે તેવા ગામમાં ત્રણ મહિનામાં 431 લગ્નની નોંધણી થવી એ સામાન્ય બાબત નથી. આટલી મોટી સંખ્યામાં લગ્ન નોંધણી પાછળ કોઈ વ્યવસ્થિત નેટવર્ક કે અન્ય ગેરરીતિ કાર્યરત હતી કે કેમ તેવા સવાલો ઊઠવા લાગ્યા છે.
આ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમજ મામલતદાર સહિતના સંબંધિત વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલ પૂરતા તલાટી કમ મંત્રી પાસેથી લગ્ન નોંધણીનો ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
હવે આ સમગ્ર પ્રકરણમાં વહીવટી તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો લગ્ન નોંધણીની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ, નોંધણી માટે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો કેટલા સાચા છે, ખરેખર લગ્ન થયાં હતાં કે માત્ર કાગળ પર જ નોંધણી કરવામાં આવી હતી, તેમજ આટલી મોટી સંખ્યામાં નોંધણી પાછળ કોઈ સંગઠિત ટોળકી કાર્યરત હતી કે કેમ તે સહિતના અનેક સવાલોના જવાબ મળી શકે તેમ છે. આ પ્રકરણમાં પરિવારજનો દ્વારા લગ્ન નોંધણીના કાગળો અને સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવામાં આવતાં તેમાં પણ કેટલીક ક્ષતિઓ જણાતી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં, લગ્ન સમયે હાર-તોરા સહિતની વિધિના ફોટોગ્રાફ પણ નોંધણી માટે રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, આ ફોટોગ્રાફની વિશ્વસનીયતા અંગે પણ સવાલો ઊઠ્યા છે. કેટલાક ફોટોગ્રાફમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તસવીરો તૈયાર કરવામાં આવી હોય તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.
તપાસ સમિતિના બે મહિનાથી ઠાગાઠૈયા
આ સમગ્ર પ્રકરણમાં ફરિયાદી ઉદયભાઈ વસંતભાઈ અગ્રાવત દ્વારા કાલાવડના તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ.) સમક્ષ લેખિત અરજી કરીને લગ્ન નોંધણીના મામલે ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ અરજીની અપીલની પ્રક્રિયા ચાલતાં તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે, તપાસ સમિતિની રચનાને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી તેનો અહેવાલ રજૂ થયો નથી. માત્ર 700ની વસ્તી ધરાવતા ગામમાં ત્રણ મહિનામાં 431 લગ્ન નોંધાયાં હોવાની બાબત પોતે જ તપાસનો ગંભીર વિષય છે. ત્યારે આટલા મોટા પ્રમાણમાં થયેલી લગ્ન નોંધણીઓની ખરાઈ, દસ્તાવેજોની ચકાસણી અને સમગ્ર પ્રક્રિયાની જવાબદારી નક્કી થાય તે જરૂૂરી બન્યું છે. તપાસ સમિતિનો અહેવાલ હજી સુધી કેમ આવ્યો નથી તેવો સવાલ પણ હવે ઊઠી રહ્યો છે.
