સૌરાષ્ટ્રભરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિની ધામઘૂમથી ઉજવણી

સંત શિરોમણી જલારામ બાપાના 227માં જન્મોત્સવની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી સૌરાષ્ટ્રભરમાં કરવામાં આવી હતી. બાપાની જન્મજયંતિ નિમિતે મંદિરોમાં વહેલી સવારથી જ ભારે ભીડ ઉમટી હતી.…

સંત શિરોમણી જલારામ બાપાના 227માં જન્મોત્સવની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી સૌરાષ્ટ્રભરમાં કરવામાં આવી હતી. બાપાની જન્મજયંતિ નિમિતે મંદિરોમાં વહેલી સવારથી જ ભારે ભીડ ઉમટી હતી. દિવસ દરમિયાન પૂજન, અર્ચન, અન્નકુટ, મહાઆરતી, મહાપ્રસાદ અને શોભાયાત્રા સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શોભાયાત્રામાં જય જલારામના ગગનભેદી નાદ, ભજન કીર્તન અને ભક્તોના જયઘોષે ભક્તિમય માહોલ સજર્યો હતો. રઘુવંશી સમાજના આગેવાનો, યુવાનો, મહીલાઓ અને હજારો ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.

ખંભાળિયા
જલારામ જયંતિ નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો માટે સમૂહ પ્રસાદ નાતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને ખંભાળિયાના મૂળ વતની પરિમલભાઈ નથવાણી દંપત્તિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 227 મી જન્મ જયંતીની ખંભાળિયામાં અનેરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગઈકાલે સોમવારે સાંજે યોજાયેલી પરંપરાગત ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રઘુવંશી ભાઈઓ-બહેનો જોડાયા હતા. ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે ફટાકડા આતશબાજીની રમઝટ સાથે આ ભવ્ય શોભાયાત્રા અહીંના જલારામ મંદિર ખાતેથી શરૂૂ થઈ, શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફરી, રાત્રે અત્રે બેઠક રોડ પર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થઈ હતી.

મોરબી
મોરબીમાં અયોધ્યાપુરી રોડ પર આવેલા જલારામ ધામ ખાતે આજે જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે અન્નકૂટ દર્શન ધુન ભજન, મહાઆરતી, મહા પ્રસાદ, વાલમેનના હસ્તે કેક કટિંગ કરીને બાપાનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રામધન આશ્રમના મહંત ભાવેશપરી મોરબી જીલ્લા ભાજપ પુર્વ મહામંત્રી નિર્મલ જારીયા મોરબી શહેર ભાજપ પ્રમુખ નૈમીષ પંડીત મોરબી જીલ્લા કોંગ્રેસ પુર્વ પ્રમુખ મુકેશભાઇ ઞામી સદસ્યો ભાવીન ઘેલાણી, જયેશ દેશાઈ, મેઘનાબેન પોપટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનમાં ગીરીશભાઈ ઘેલાણી.ંનિમીત કક્કડ સહીત જોડાયા હતા.

જૂનાગઢ
જૂનાગઢમાં આજે જલારામ જયંતિ નિમિત્તે ‘જય જલિયાણા’ના ગગનભેદી નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. લોહાણા મહાજન સહિત સમગ્ર જ્ઞાતિ-સમાજના જલારામ બાપામાં શ્રદ્ધા ધરાવતા ભાવિકોએ વિવિધ ધાર્મિક આયોજનો સાથે જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. ભગત, ભક્તિ અને ભજનની ભૂમિ ગણાતી ગરવા ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢમાં જલારામ જયંતિની ઉજવણી દરમિયાન ભક્તિમય માહોલ છવાયો હતો. જલારામ બાપાના ‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો’ના માનવસેવા અને પરોપકારના મૂળ મંત્રને સાર્થક કરતાં અનેક સેવાકીય દૃશ્યો શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યાં હતાં.

વેરાવળ
રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ ના સૂત્રને વરેલા રઘુવંશી શિરોમણી સંત વીરપુર વાસી જલારામ બાપા ની 227 મી જન્મ જયંતી લોહાણા સમાજ દ્વારા ભારે ઉત્સાહ ભેર ઉજવાઈ હતી. જલારામ મંદિરમા ભવ્ય શણગાર કરાયો હતો. સવાર થી જ જલારામ મંદિરે દર્શન માટે ભાવિકોની ભીડ જામી હતી આ ઉપરાંત જલારામ બાપા ની આરતીનો મોટી સંખ્યામાં જલારામ ભક્તો લાભ લીધો હતો. દર વર્ષની જેમ આ વર્ષે બપોરે નૂતન જલારામ મંદિર થી બાપા ને રથમાં પધરાવી વિશાળ સંખ્યામાં રઘુવંશીઓની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડતા ભવ્ય શોભાયાત્રા જલારામ મંદિર, નગરપાલિકા, લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટ, શાકમાર્કેટ, ગાંધી ચોક, સુભાષ રોડ, સટા બજાર, લાઈબ્રેરી, ટાવર ચોક, અંબાજી મંદિર થી જલારામ મંદિરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા માં જલારામ બાપા ની રવાડી ના દર્શન, ડી જે ના તાલે ભાઈઓ બહેનો તાલી રાસ રમ્યા હતા.

ઉના
ઉના શહેરમાં રઘુવંશી સમાજના આરાધ્ય દેવ સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ વહેલી સવારે જલારામ મંદિરે પૂજા-અર્ચના અને બાપાની મહા આરતી સાથે થયો હતો. મહાઆરતી દરમિયાન મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઊઠ્યું હતું. બપોરના સમયેઆયોજિત મહાપ્રસાદનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે લોહાણા મહાજન ટ્રસ્ટના પ્રમુખ ડો. મનોજ માનસેતા સહિત સમાજના અગ્રણી જયંતીભાઈ નથવાણી, અશોકભાઈ કોટેચા, રાજુભાઈ પાંધી, જીતુ ભાઈ પંડત, કાંતિભાઈ છગ, રસિકભાઈ તન્ના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે જલારામ મંદિર ખાતેથી વાજતે-ગાજતે ભવ્ય પાલખી યાત્રાનો પ્રારંભ થયો હતો. ‘જય જલારામ’ના ગગનભેદી નાદ, ભજન-કીર્તન અને ભક્તોના જયઘોષ સાથે નીકળેલી પાલખીયાત્રાએ ઉના શહેરના રાજમાર્ગો પર ભક્તિમય માહોલ સર્જ્યો હતો. દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

માણાવદર
માણાવદર શહેરમાં સંત શિરોમણી જલારામ બાપાના જન્મોત્સવ વિશેષ ઉત્સવ નિમિત્તે ભક્તિમય માહોલમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના બાવાવાડી વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ જલારામ મંદિરેથી આ શોભાયાત્રાનો વિધિવત પ્રારંભ થયો હતો, જે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. આ ધાર્મિક યાત્રામાં મોટી સંખ્યામાં જલારામ ભક્તો, રઘુવંશી સમાજના અગ્રણીઓ અને શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે માર્ગમાં ઠેર-ઠેર ભાવિકો દ્વારા તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સલાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતે પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભક્તિભાવ અને ઉત્સાહભેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો અને ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જન્મજયંતીની ઉજવણીના ભાગરૂૂપે સવારે 7:30 કલાકે પૂજ્ય જલારામ બાપાની મહાઆરતી યોજાઈ હતી. ત્યારબાદ સવારે 10 વાગ્યે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સવારે 11 વાગ્યે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. બપોરે 1 વાગ્યે સલાયા લોહાણા મહાજનવાડી ખાતે સમસ્ત હિન્દુ સમાજના સમૂહ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *