બહેનની પ્રથમ પુણ્યતિથિએ જ પરિણીતાનો આપઘાત

શહેરના શીતલ પાર્ક પાસે આવેલી શહીદ ભગતસિંહ ટાઉનશીપમાં રહેતા 35 વર્ષીય પરિણીતાએ પોતાના બહેનની પહેલી પુણ્યતિથિએ પોતાના ઘરે ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લેતા અરેરાટી…

શહેરના શીતલ પાર્ક પાસે આવેલી શહીદ ભગતસિંહ ટાઉનશીપમાં રહેતા 35 વર્ષીય પરિણીતાએ પોતાના બહેનની પહેલી પુણ્યતિથિએ પોતાના ઘરે ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે પોતાના મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી અને અંતિમવિધિ પોતાના પિયરમાં કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહીદ ભગતસિંહ ટાઉનશીપમાં રહેતા રીંકલબેન હિતેશભાઈ વડાલીયા (ઉં.વ.35) એ રાત્રિના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પરિવારજનોને જાણ થતા જ તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાવની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક રીંકલબેન મૂળ જેતપુરના વતની હતા. તેઓ રાજકોટમાં એક ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા, જ્યારે તેમના પતિ હિતેશભાઈ ગામડે રહીને ખેતીકામ સંભાળે છે. દંપતીને સંતાનમાં એક પુત્ર છે, જે હાલ અભ્યાસ કરી રહ્યો છે.

પોલીસ તપાસ દરમિયાન મૃતક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. આ અંતિમ ચિઠ્ઠીમાં રીંકલબેને લખ્યું છે કે, હું કંટાળી ગઈ છું અને મારી મરજીથી આપઘાત કરું છું, જેની પાછળ કોઈનો વાંક નથી. મારી અંતિમવિધિ મારા માતાના ઘરે કરજો અને મારા પુત્રને સાચવજો. હાલ યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ જે.એસ. જાડેજાએ આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી છે. પરિણીતાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા માટે પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *