જામનગરમાં એબીવીપીના કાર્યકર ઉપર ચાર શખ્સોનો હુમલો; અરજી પાછી ખેંચવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી

જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યક્રમ અને કેમ્પસ કારોબારીની ઘોષણામાં ખલેલ પહોંચાડવા અંગે અગાઉ કરવામાં આવેલી અરજીનો ખાર રાખીને એબીવીપીના પૂર્ણકાલીન વિસ્તારક ભાર્ગવભાઈ પર…

જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યક્રમ અને કેમ્પસ કારોબારીની ઘોષણામાં ખલેલ પહોંચાડવા અંગે અગાઉ કરવામાં આવેલી અરજીનો ખાર રાખીને એબીવીપીના પૂર્ણકાલીન વિસ્તારક ભાર્ગવભાઈ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવમાં હાર્દિકસિંહ ચુડાસમા સહિત ચાર શખ્સો સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.જામનગરના મંગલબાગ શેરી નં. 3માં રહેતા અને એલએલ.બી.નો અભ્યાસ કરતા તથા એબીવીપીના પ્રદેશ સહમંત્રી તરીકે જવાબદારી સંભાળતા ઋત્વિકભાઈ યોગેશભાઈ ભીલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 15 નવેમ્બરની રાત્રે હાર્દિકસિંહ ચુડાસમાનો ફોન આવ્યો હતો અને અગાઉ તેમની વિરુદ્ધ અરજી કેમ કરી છે, તેમ કહી બધાને જોઈ લેવાની ધમકી આપી હતી.

ત્યારબાદ તા. 16 નવેમ્બરની રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં તેમના મિત્ર ઉત્સવભાઈનો ફોન આવ્યો હતો. ઘરે આવી રહ્યો હોવાનું જણાવતાં ઋત્વિકભાઈ તેમના મિત્રો ભાર્ગવભાઈ, અભીભાઈ અને રાજવીરભાઈ સાથે ત્યાં પહોંચ્યા હતા. તે વખતે સ્થળ પર આશરે 15 જેટલા લોકો હાજર હતા, જેમાં હાર્દિકસિંહ ચુડાસમા, પાર્થ રાવલ, ભારત ગૌસ્વામી અને દિવ્યરાજસિંહ જાડેજાનો પણ સમાવેશ થતો હતો.

આ દરમિયાન હાર્દિકસિંહે અગાઉ કરેલી અરજી પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું. ત્યારબાદ ઉશ્કેરાઈને ભાર્ગવભાઈ સાથે ઝપાઝપી શરૂૂ કરી હતી અને તેમને માથામાં મુક્કો મારી ટી-શર્ટ ફાડી નાખ્યું હતું. એટલું જ નહીં, કાર્યાલયમાં એકલા રહેતા હોવાથી ગમે ત્યારે પતાવી દેવાની ધમકી પણ આપી હતી. આ સમયે પાર્થ રાવલ અને ભારત ગૌસ્વામીએ પણ ભાર્ગવભાઈને માર માર્યો હતો, જ્યારે અન્ય અજાણ્યા શખ્સે પાછળથી પકડી રાખ્યા હતા.

આ દરમિયાન મિત્રોએ વચ્ચે પડી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. સોસાયટીમાંથી કોઈએ 112માં જાણ કરતાં પોલીસની ગાડી દોડી આવી હતી. પોલીસ પહોંચતાં હાર્દિકસિંહ, પાર્થ રાવલ અને ભારત ગૌસ્વામી સહિતના શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા.

એબીવીપીના કાર્યક્રમો અને કેમ્પસ કારોબારીની ઘોષણામાં ખલેલ પહોંચાડવા અંગે અગાઉ કરેલી અરજીનો ખાર રાખીને હુમલો કરાયાની ફરિયાદના આધારે પોલીસે હાર્દિકસિંહ ચુડાસમા, પાર્થ રાવલ, ભારત ગૌસ્વામી અને દિવ્યરાજસિંહ જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 351(3) અને 54 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *