પાક.ના પૂર્વ ખેલાડીઓને હવે સ્પોટ્ર્સમેન શીપ યાદ આવી! રમતપ્રેમીઓએ યુવા ટીમની ઉજવણીને વ્યાજબી ગણાવી
કોઈ પણ રમતમાં જીત બાદ ખેલાડીઓ ઉજવણી કરે એ રમતનો એક ભાગ છે. ખાસ કરીને જ્યારે જીત પોતાના કટ્ટર હરીફ સામે મળે ત્યારે આ ઉત્સાહ વધુ જોવા મળે છે, પરંતુ દરેક સેલિબ્રેશનની પોતાની એક મર્યાદા હોય છે. ખેલાડીઓ સામાન્ય રીતે આ મર્યાદાનું ધ્યાન રાખે છે, પરંતુ ઘણી વખત તેઓ ઉત્સાહમાં ભાન ભૂલી જાય છે. અંડર-19 મેન્સ એશિયા કપની ફાઇનલમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું.
ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે. આ રમતની મર્યાદા જ તેની ખેલદિલી છે. જીત બાદ દરેક ટીમ સેલિબ્રેશન કરે છે, પરંતુ સાથે જ વિરોધી ટીમની પણ પ્રશંસા કરવામાં આવે છે, કારણ કે કોઈ પણ ટીમ મેદાનમાં હારવા માટે ઊતરતી નથી, પરંતુ જ્યારે જીતનું સેલિબ્રેશન ઉગ્ર બની જાય છે ત્યારે તેની મજા બગડી જાય છે.
યુએઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઇનલમાં જીત બાદ ભારતીય ટીમે જે રીતે ઉજવણી કરી હતી, તેના વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો ભારતીય ટીમના ખેલાડીઓને સમર્થન આપી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, રમતના મેદાનમાં આ પ્રકારની ઉજવણીથી બચવું જોઈએ. ખાસ કરીને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો, પૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો ભારતીય ટીમની ઉજવણી કરવાની રીત પર સવાલો ઉઠાવી રહ્યા છે.
ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ જીત બાદ ખૂબ આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી. કેટલાક ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓ સામે જઈને ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમનો સપોર્ટ સ્ટાફ ખેલાડીઓને શાંત કરાવતો અને તેમને મેદાનની બહાર તરફ લઈ જતો જોવા મળ્યો હતો.કેટલાક ખેલાડીઓ પાકિસ્તાનની ટીમ તરફ ઇશારા કરતા પણ નજરે પડ્યા હતા.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અહમદ શેહઝાદે ’એકસ’ (ટ્વિટર) પર લખ્યું, “ટુર્નામેન્ટ જીતવા બદલ ભારતને અભિનંદન અને સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન સાથે ઉત્તમ ક્રિકેટ રમવા બદલ પાકિસ્તાન અંડર-19 ટીમને પણ શ્રેય જાય છે.”
“જોકે, જીતની ઉજવણી ખુશી સાથે થવી જોઈએ, આક્રમકતા દર્શાવીને અથવા બિનજરૂૂરી દુશ્મનાવટ વધારીને નહીં. આ યુવા ખેલાડીઓ છે અને તેમને એ શીખવવું જરૂૂરી છે કે, રમતની ભાવના જીત અને હારથી ઘણી ઉપર હોય છે.”
“દુર્ભાગ્યવશ, સિનિયર ખેલાડીઓએ કેટલીક એવી પરંપરાઓ આગળ ધપાવી છે, જેને બદલવાની જરૂૂર છે.””હવે સમય આવી ગયો છે કે આપણે પોતાને બદલીએ, વિરોધી ટીમનું સન્માન કરીએ અને રમતભાવનાને અપનાવીએ. ગર્વ સાથે જીતો, પૂરા જોશ સાથે મુકાબલો કરો, પરંતુ હંમેશાં રમતનું સન્માન કરો.”
પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોઐબ અખ્તરે એક કાર્યક્રમમાં કહ્યું, “ભારતને અભિનંદન. તેમણે ખૂબ સારું ક્રિકેટ રમ્યું, પરંતુ એક વાત કહું કે આપણે માત્ર ક્રિકેટ જ નથી રમવાનું, આપણે મૂલ્યો સાથે પણ આગળ વધવું છે. આજે પણ હું સચિન વિશે સારું બોલું છું. આજે પણ હું તેમને દુનિયાના નંબર એક બેટ્સમેન માનું છું.”
“સેહવાગ, સૌરવ અને અમે બધા એકબીજા સાથે રમ્યા છીએ. અમે બધા સારા મિત્રો છીએ. અમે ક્યારેય એકબીજા વિરુદ્ધ આવી પ્રતિક્રિયા આપી નથી.” અખ્તરે સલાહ આપતાં કહ્યું, “હું માનું છું કે તેઓ યુવાન છે, પરંતુ આપણે આપણાં બાળકોને મૂલ્યો પણ શીખવવાનાં છે. અગાઉની મેચમાં ભારતીય ટીમના કેપ્ટને કહ્યું હતું કે, તેઓ અમારાથી સારું રમ્યા, તેઓ અમારાથી સારી ટીમ છે. આ મૂલ્યો સાંભળીને કેટલું સારું લાગ્યું!”
“ભારતીય ખેલાડીઓને મારો આ જ સંદેશ છે: આક્રમકતા ચોક્કસ બતાવો, આ જોઈને ખૂબ સારું લાગ્યું. પરંતુ તેની સાથે હું કહેવા માગું છું કે, પાકિસ્તાન વધુ સારી ટીમ હતી, સમગ્ર ટુર્નામેન્ટમાં તેઓ સારું રમ્યા.”
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ યુસુફે ’એકસ’ (ટ્વિટર) પર એક પોસ્ટમાં “હું એક વાત કહેવા માગું છું કે, જ્યારે તમે રમત રમો છો અથવા કોઈ પણ સ્તરે સ્પર્ધા કરો છો, ત્યારે તમે માત્ર તમારા દેશનું પ્રતિનિધિત્વ નથી કરતા. હકીકતમાં, તમે તમારા ઉછેર, તમારાં મૂલ્યો અને તમારાં માતા-પિતાએ બાળપણમાં તમને શીખવેલા સંસ્કારોનું પણ પ્રતિનિધિત્વ કરતા હો છો.” “તેથી જીત હોય કે હાર, હંમેશાં સન્માનજનક વર્તન કરો અને સંયમ જાળવો. સાચી રમતભાવના એ વાતથી ઝળકે છે કે, પરિણામ ગમે તે હોય, મેદાન પર અને મેદાનની બહાર તમે કેવું વર્તન કરો છો.”
બીસીસીઆઈએ શું કહ્યું?
બીસીસીઆઈના સંયુક્ત સચિવ દેવજિત સૈકિયાએ ભારતીય ટીમનું સમર્થન કર્યું છે. તેમણે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું, “આ ભારતીય ટીમની ભાવના અને તેમના લડાયક મિજાજને દર્શાવે છે.” સૈકિયાએ કહ્યું, “કઠિન મુકાબલો થયો, આ મેચ ભારતના હાથમાં નહોતી. જો તમે જોશો તો લગભગ 280 રન સુધી 8 વિકેટ પડી ગઈ હતી અને બોલ પણ ખૂબ ઓછા બાકી હતા. એ સ્થિતિમાંથી ભારતની ટીમ જીતી છે, તેનાથી લાગે છે કે ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.” તેમણે કહ્યું, “આવી મુશ્કેલ મેચમાં જ્યારે તેઓ જીતે છે, તો ત્યારબાદ થોડી ઉજવણી કરવી સ્વાભાવિક છે અને તેના માટે બધાએ મંજૂરી આપવી જોઈએ. તેઓ જે રીતે જીત્યા છે, તે જોતાં મને લાગે છે કે તેમની ઉજવણી વાજબી છે.”
