ભાવનગર રેલવે મંડળે ટિકિટ ચેકિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી દાખવીને માત્ર બે દિવસના સમયગાળામાં આવકના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. વાણિજ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવેલા સઘન ટિકિટ ચેકિંગ અભિયાન દરમિયાન મંડળે 2 નવેમ્બર, 2026ના રોજ એક જ દિવસમાં રૂૂ. 11.61 લાખની આવક મેળવી હતી. ત્યારબાદ પોતાની કામગીરીમાં વધુ સુધારો લાવતા 4 નવેમ્બર, 2026ના રોજ પોતાના જ રેકોર્ડને માત આપીને રૂૂ. 12.07 લાખની અત્યાર સુધીની સૌથી વધુ એક દિવસની ટિકિટ ચેકિંગ આવક પ્રાપ્ત કરી છે.
આ બંને દિવસો દરમિયાન કુલ 2,323 કેસમાં યોગ્ય ટિકિટ વિના કે અનિયમિત રીતે મુસાફરી કરતા મુસાફરો સામે કાર્યવાહી કરી કુલ રૂૂ. 23.68 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 4 નવેમ્બરના રોજ મળેલી રૂૂ. 12.07 લાખની આવક ભાવનગર મંડળના ઇતિહાસમાં ટિકિટ ચેકિંગ દ્વારા પ્રાપ્ત થયેલી સર્વોચ્ચ આવક છે. આ સિદ્ધિ સાથે મંડળે મે 2022માં નોંધાવેલા રૂૂ. 9.50 લાખના પોતાના જૂના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે.
આ નોંધપાત્ર સફળતા પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક તરુણ જૈનના માર્ગદર્શન હેઠળ તથા ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અને સહાયક વાણિજ્ય પ્રબંધક વિશાલ પચૌરીની સીધી દેખરેખમાં ટિકિટ ચેકિંગ સ્ટાફના સમર્પિત પ્રયાસોથી શક્ય બની છે. રેલવે તંત્રના જણાવ્યા અનુસાર આ ઝુંબેશનો મુખ્ય હેતુ માત્ર આવક વધારવાનો જ નહીં પરંતુ મુસાફરો નિયમ મુજબ માન્ય ટિકિટ લઈને જ મુસાફરી કરે તેવો સુધારાત્મક અભિગમ કેળવવાનો છે. ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્માએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ વાણિજ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓના સામૂહિક પરિશ્રમ, સંકલન અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ ભાવનગર મંડળે તમામ મુસાફરોને જવાબદાર નાગરિક બની હંમેશાં યોગ્ય ટિકિટ સાથે જ મુસાફરી કરવા અને સુવ્યવસ્થિત રેલ સેવાઓ જાળવવામાં સહયોગ આપવા ખાસ અપીલ કરી છે.
