દિવાળીના પર્વમાં કાળી ચૌદશનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. આસો વદ ચૌદશના દિવસે ઉજવાતા આ પર્વને નરક ચતુર્દશી, રૂપચૌદશ અને નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે મહાકાળી માતાજી સહિત હનુમાનજી, મહાદેવજી અને ભૈરવદાદાની પૂજા-અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. તો બીજી તરફ તંત્ર-મંત્ર સાધના, યમપૂજા, દીપદાન અને કકળાટ કાઢવાની પરંપરા પણ આ પર્વ સાથે જોડાયેલી છે. ત્યારે જાણીએ કાળી ચૌદશના પર્વનું ધાર્મિક મહત્વ અને કઈ રીતે કરવી વિશેષ પૂજા-અર્ચના…
હિન્દુ પંચાંગ અનુસાર આસો વદ ચૌદશના દિવસે કાળી ચૌદશનું પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે કાળી ચૌદશની તિથિ શનિવારે સવારે 10:49 કલાકે શરૂ થાય છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસ ભગવાનના આશીર્વાદ મેળવવા, નકારાત્મક શક્તિઓથી રક્ષણ મેળવવા અને સાધના-આરાધના માટે વિશેષ શુભ માનવામાં આવે છે.
કાળી ચૌદશના દિવસે મહાદેવજી, હનુમાનજી, કાળભૈરવ અને બટુક ભૈરવની પૂજા કરવામાં આવે છે. જ્યારે મહાકાળી, ભદ્રકાળી અને ચામુંડા માતાજીની ઉપાસના તેમજ મંત્રજાપનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થતું હોવાની ધાર્મિક માન્યતા છે.
જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર મેષ, કુંભ અને મીન રાશિના જાતકોને શનિની સાડાસાતી ચાલી રહી હોવાથી તેમણે હનુમાનજીની વિશેષ ઉપાસના કરવી જોઈએ. શનિની પનોતીથી રાહત મેળવવા શનિદેવના મંદિરે પૂજા-અર્ચના કરી જરૂરિયાતમંદોને ભોજન અને વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
આ ઉપરાંત કાળા તલ, અડદ, દેશી ચણા, કાચું તેલ, મીઠાના ગાંગડા અને કપડાંનું દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. પરિવારમાં લાંબા સમયથી બીમારી રહેતી હોય તો સંધ્યા સમયે તલના તેલનો અખંડ દીવો પ્રગટાવવાની પરંપરા છે.
કાળી ચૌદશ સાથે યમપૂજા અને દીપદાનનું પણ વિશેષ મહત્વ જોડાયેલું છે. સૂર્યાસ્ત બાદ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવી યમરાજની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર યમપૂજા અને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે તેમજ આરોગ્ય અને દીર્ઘાયુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આમ, કાળી ચૌદશ માત્ર તંત્ર-મંત્રની સાધનાનો દિવસ જ નહીં, પરંતુ ભક્તિ, ઉપાસના, દાન-પુણ્ય અને નકારાત્મકતામાંથી મુક્તિ મેળવવાની ધાર્મિક પરંપરા સાથે જોડાયેલું પર્વ છે.
