કર્ણાટકમાં પેટ્રોલના 63 સેમ્પલની તપાસમાં 20%થી વધુ ઇથેનોલ મિશ્રણ મળી આવતા ખળભળાટ મચ્યો છે. IOCLના સેમ્પલમાં તો 31.2% ઇથેનોલ જોવા મળ્યું. કર્ણાટક સરકારે કેન્દ્રને રિપોર્ટ સુપરત કરીને નુકસાન ભરપાઈ અને દરેક પંપ પર ઇથેનોલ મિશ્રણની ટકાવારી દર્શાવવાની માગ કરી છે. બેંગલુરુ સહિત 7 જિલ્લામાંથી સેમ્પલ લેવાયા હતા. આ મામલે સરકાર ચિંતિત છે.
કર્ણાટકથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં સરકારની તપાસમાં જ એક મોટો દાવો કરાયો છે. લગભગ સાત જેટલા જિલ્લામાંથી પેટ્રોલના 63 સેમ્પલ એકઠાં કરવામાં આવ્યા હતા. તેમાં તપાસ કરવામાં આવતા ઈથેનોલ મિશ્રણની માત્રા 20%થી વધારે મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
જોકે IOCLના સેમ્પલની વાત કરીએ તો તેમાં તો 31.2% જેટલું ઈથેનોલ મિશ્રણ મળી આવ્યું હતું. હવે આ મામલે કર્ણાટક સરકારે કેન્દ્ર સરકારને ઘેરતાં ઈથેનોલની ઓવર બ્લેન્ડિંગ સામે કાર્યવાહીની માગ કરી હતી. આ સાથે નુકસાનની ભરપાઈ તથા દરેક પેટ્રોલ પંપ પર ઈથેનોલ બ્લેન્ડિંગ કેટલા ટકા છે તેને લઈને ડિસ્પ્લે મૂકવાની માગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકારે ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલમાં કેટલી માત્રામાં ઈથેનોલનું મિશ્રણ કરવામાં આવ્યું છે તેને લઈને કોઈ ચોખ્ખી માહિતી ન આપવામાં આવતા ચિંતાઓ વ્યક્ત કરી હતી. આ ઘટના બાદથી IOCL, HPCL, BPCL, શેલ અને નાયરા જેવી મોટી ઓઈલ કંપનીઓના પેટ્રોલના કુલ 63 સેમ્પલની પ્રાઈવેટ લેબમાં તપાસ કરવામાં આવી હતી.
બેંગ્લુરુ પણ એ સાત જિલ્લાઓમાં સામેલ હતું જ્યાંથી પેટ્રોલના સેમ્પલમાં ઈથેનોલ બ્લેન્ડિંગનું લેવલ ચકાસવા માટે સેમ્પલ કલેક્ટ કરાયા હતા અને તપાસમાં અહીં પણ ઈથેનોલ 20%થી વધુ માત્રામાં મળી આવ્યું હતું. હવે આ મામલે કર્ણાટક સરકારે તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપરત કરવાનો નિર્ણય કર્યો છે.
