સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા IPS પ્રેમસુખ ડેલૂના નામે સાઇબર ગઠિયાઓએ સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવી લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ અને મેસેજ મોકલવાનું શરૂૂ કરતાં ચકચાર મચી ગઈ છે. આ બાબત ધ્યાને આવતાં જ જિલ્લા પોલીસવડા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રોફાઇલ ફેક હોવાની સ્પષ્ટતા કરી સામાન્ય નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.
મળતી માહિતી મુજબ, સાઇબર ભોપાળાઓ દ્વારા ફેસબુક પર આઈપીએસ પ્રેમસુખ ડેલુ નામે એક બોગસ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી હતી. આ ફેક એકાઉન્ટમાંથી લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મેસેન્જર પર Hello અને How are you જેવા મેસેજ મોકલી વાતચીત શરૂૂ કરવાની કોશિશ કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસવડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી સાવધ કર્યા. પોતાના નામે ફેક આઈડી બની હોવાની જાણ થતાં જ જિલ્લા સત્તાવાર રીતે હિન્દી અને ગુજરાતી ભાષામાં સ્પષ્ટતા જારી કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે આ આઈડી ફેક છે કૃપા કરીને કાળજી રાખવી.સાયબર ગઠિયાઓથી છેતરાવું નહીં. સામાન્ય રીતે આવા સાયબર ઠગો ઉચ્ચ અધિકારીઓના નામે ફેક પ્રોફાઈલ બનાવીને મિત્રો કે નાગરિકો પાસે ઈમરજન્સીના બહાને નાણાંની માંગણી કરતા હોય છે. કોઈ પણ મેસેજ કે રિક્વેસ્ટનો સ્વીકાર કરવો નહીં અને કોઈ પણ વ્યક્તિ સાથે આર્થિક વ્યવહાર કરવો નહીં. હાલ આ મામલે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે ફેક એકાઉન્ટ બનાવનાર ગઠિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
કોઇ વ્યક્તિ આ એકાઉન્ટ બનાવનારનો શિકાર ન બને તે માટે મારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોકોને જાણ કરી છે. હું કોઇને સોશિયલ મીડિયા પર મેસેજ કરતો નથી એટલે આવા એકાઉન્ટની રિક્વેસ્ટ આવે તો એક્સેપ્ટ કરવી નહીં. આવી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવે તો પોલીસનું તે બાબતે ધ્યાન દોરવું. – પ્રેમસુખ ડેલુ, જિલ્લા વડા.
