બેડી અને માલિયાસણ ચોકડી વચ્ચે બે અકસ્માત, 4 કલાક ટ્રાફિકજામ

રાજકોટથી અમદાવાદ હાઇવે તરફના વ્યસ્ત બાયપાસ વિસ્તારમાં એક જ દિવસમાં બે મોટા અકસ્માતના બનાવો બન્યા હતા. બેડી ચોકડી અને માલિયાસણ ચોકડી નજીક સર્જાયેલા આ અકસ્માતોના…

રાજકોટથી અમદાવાદ હાઇવે તરફના વ્યસ્ત બાયપાસ વિસ્તારમાં એક જ દિવસમાં બે મોટા અકસ્માતના બનાવો બન્યા હતા. બેડી ચોકડી અને માલિયાસણ ચોકડી નજીક સર્જાયેલા આ અકસ્માતોના કારણે રાજકોટ-અમદાવાદ હાઇવે પર અંદાજે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિકજામ લગભગ 4 કલાક સુધી યથાવત રહેતા અનેક વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. હાઇવે પર સર્જાયેલી આ અરાજકતાના કારણે નોકરીયાતો, કુરિયર વાહનો અને લાંબા રૂૂટની બસોના સમયપત્રક પણ ખોરવાયા હતા.
પ્રથમ બનાવ માધાપર ચોકડીથી બેડી ચોકડીના રસ્તે માધાપર બ્રીજ પર રાત્રે બન્યો હતો.

જામનગર તરફ જઈ રહેલો એક ટ્રક, જેમાં પવનચક્કીના (વિન્ડ મિલ) મહાકાય પાર્ટસ ભરેલા હતા, તે અચાનક અકસ્માતે રોડ પર પલટી મારી ગયો હતો. ડ્રાઇવરે કોઈક કારણસર વાહન પરથી કાબૂ ગુમાવતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલટીને ખાંગો થઈ જવાથી માધાપર બ્રીજ પરનો રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. ભારે વાહન હોવાના કારણે અને રસ્તો રોકાઈ જવાથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મહામહેનતે અને ક્રેનની મદદથી રોડ પર પડેલા પવનચક્કીના ભારે પાર્ટસને સાઇડમાં ખસેડીને રસ્તો ખુલ્લો કરવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બીજા બનાવમાં, રાજકોટથી અમદાવાદ બાયપાસ તરફ જતા અતિ વ્યસ્ત માર્ગ પર આવેલી બેડી ચોકડી પાસે એકસાથે છ ટ્રકો એકબીજા સાથે અથડાવાની દુર્ઘટના સામે આવી છે. અચાનક એકસાથે 6 ટ્રકો એકબીજાના ઠાઠામાં ઘૂસી જતાં સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર અને કુતુહલ સર્જાયું હતું.

આ ભયાનક અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થયાના સમાચાર નથી, જે રાહતની વાત રહી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો, રાહદારીઓ અને અન્ય વાહનચાલકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. અકસ્માતને કારણે થોડીવાર માટે શું થયું તે કોઈને સમજાયું ન હતું,. રાજકોટથી અમદાવાદ બાયપાસ એ ખૂબ જ મહત્ત્વનો અને સંવેદનશીલ રોડ ગણાય છે, જ્યાંથી દિવસ-રાત હજારોની સંખ્યામાં ભારે વાહનો, માલવાહક ટ્રકો અને કમર્શિયલ વાહનોની અવરજવર રહે છે.

આવા અત્યંત વ્યસ્ત માર્ગ પર એક જ સમયગાળામાં બે અલગ-અલગ જગ્યાએ અકસ્માતો સર્જાતા આ લગભગ 5 કિલોમીટર લાંબા ટ્રાફિકજામમાં ફસાયેલા વાહનચાલકોને કલાકો સુધી ભારે પરેશાની ભોગવવી પડી હતી. સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગના જવાનોએ તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવીને કલાકોની ભારે જહેમત બાદ ધીમે ધીમે વાહનવ્યવહારને પૂર્વવત કર્યો હતો અને હાઇવે પર ફસાયેલા વાહનોને રવાના કર્યા હતા. વહીવટી તંત્ર દ્વારા આ માર્ગ પર ભારે વાહનોની ગતિ અને સુરક્ષા અંગે વધુ સઘન આયોજન કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો દ્વારા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *