ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભંડારીયા ગામે રહેતા 35 વર્ષીય યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હોવાનોબનાવ બનવા પામ્યો છે.
ખૂનના આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભંડારીયા ગામના રહેવાસી અલગભાઈ દાદાભાઈ કામળિયા ઉં.વ. 35 ઉપર અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
ઘટનાની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે પાલીતાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક તપાસ બાદ યુવાનને મૃત જાહેર કર્યો હતો.
યુવાનના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતકના પરિવારજનોમાં આક્રંદ અને ગમગીની છવાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ પાલીતાણા રૂૂરલ પોલીસનો કાફલો સરકારી હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
