અમેરિકાના ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટના બની છે. રવિવારે એક પ્રાઇવેટ બિઝનેસ જેટ અચાનક હવામાંથી નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને જોતજોતામાં મિસાઈલની જેમ સીધું જમીન પર ખાબક્યું હતું. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે વિમાનમાં સવાર તમામ 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘટનાની ગંભીરતાને જોતા અમેરિકાના પરિવહન મંત્રી શૉન ડફીએ પણ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વિમાન દુર્ઘટના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પેલેસથી માત્ર 11 કિલોમીટરના અંતરે સર્જાઈ હતી. હાલ આ ભયાનક દુર્ઘટનાને લઈને તપાસ અને અકસ્માતના કારણો અંગે સવાલો ઊભા થયા છે.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બહામાસ જઈ રહેલું આ જેટ ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી ચૂક્યું હતું. દુર્ઘટનાના ફૂટેજમાં વિમાનને આકાશમાંથી નીચે પડતું અને એક મોટા અગનગોળામાં ફેરવાઈ જતું જોઈ શકાય છે.
CHILLING AUDIO captures FEMALE PILOT’S FINAL MOMENTS before PLANE CRASHES in FLORIDA
‘MAYDAY, MAYDAY, we’re descending 10,000 FEET PER MINUTE’
‘LOOK OUTSIDE JACK… HOLY FU*K WE’RE OUT OF TIME’ — TERRIFYING final words heard before impact https://t.co/h4lZ7UIZ88 pic.twitter.com/AaHiQRI69N
— RT (@RT_com) November 1, 2026
પ્રાપ્ત વિગતો મુજબ, ‘લિયરજેટ 60’ (Learjet 60)નામનું આ પ્રાઇવેટ બિઝનેસ જેટ ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બહામાસ માટે રવાના થયું હતું. ઓસ્ટિન એરપોર્ટના પ્રવક્તા જિમ રેનોલ્ડ્સે આ દુર્ઘટનાને એક મોટી ત્રાસદી ગણાવી છે. આ વિમાનનો ટેલ નંબર N722BD હતો.
દુર્ઘટના પહેલાં એર ટ્રાફિક કંટ્રોલ સાથેની રેડિયો વાતચીતમાં પાઈલટે જણાવ્યું હતું કે વિમાન પર બરફ જામી રહ્યો છે, બહારનું તાપમાન -47 ડિગ્રી સેલ્સિયસ છે અને મધ્યમ સ્તરનું ટર્બુલેન્સ છે. જો કે, થોડી જ ક્ષણોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ અને પાયલટે કટોકટી (Emergency) જાહેર કરતાં કહ્યું કે વિમાન 20000 થી 22000 ફૂટ પ્રતિ મિનિટની અત્યંત ઝડપે નીચે જઈ રહ્યું છે અને ઓવરસ્પીડની સ્થિતિ છે.
બેકગ્રાઉન્ડમાં એલાર્મના અવાજો વચ્ચે ક્રૂ વિમાન પર કાબૂ મેળવવાનો આખરી પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે કંટ્રોલરે હિંમત આપતા કહ્યું કે “હું તમારી સાથે છું, વાત કરો.” પરંતુ પરિસ્થિતિ વણસતાં કોકપિટમાંથી ભય અને ઘબરાહટનો અવાજ આવ્યો કે, “બહાર જુઓ… હે ભગવાન, હવે અમારી પાસે સમય નથી બચ્યો!” અને આ અંતિમ ચીસ સાથે જ ટ્રાન્સમિશન હંમેશા માટે બંધ થઈ ગયું.
એક કારમાં સવાર લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં તે ભયાનક ક્ષણ કેદ થઈ છે, જેમાં વિમાન આકાશમાંથી નીચે પડે છે, રસ્તાની નજીક જમીન પર અથડાય છે અને વિસ્ફોટ થાય છે. સદનસીબે આ વિમાન નજીકની વસાહતના ઘરો અથવા ત્યાંથી પસાર થઈ રહેલા વાહનો સાથે અથડાતા માંડ-માંડ બચી ગયું હતું, નહીંતર મોટી જાનહાનિ થઈ શકત. વિમાન એક વ્યસ્ત રસ્તાની બિલકુલ નજીક પડતાં ત્યાં મોટો ખાડો પડી ગયો હતો અને ચારેય તરફ આગની લપટો સાથે ઘાટો કાળો ધુમાડો છવાઈ ગયો હતો. આ અકસ્માત મિલિટરી ટ્રેલ અને 10મા એવેન્યુ નોર્થ પાસે સર્જાયો હતો.
