શહેરમાં ગ્રીન ક્લીન અને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે નાગરિકોની સુખાકારી માટે કરોડો રૂૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સાઇકલ ટ્રેકની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. રાજકોટના મુખ્ય અને વ્યસ્ત ગણાતા 150 ફૂટ રિંગ રોડ પર મહાનગરપાલિકા અને પોલીસ તંત્રની અણઆવડત કે બેદરકારીના કારણે સાઇકલ ટ્રેક હવે સાઇકલ સવારો માટે નહીં પરંતુ વાહનોના પાર્કિંગ અડ્ડા બની ગયા છે. નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે ત્યારે સામાન્ય જનતામાં તંત્રની બેધારી નીતિ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. એક તરફ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના રોડ પર સાયકલ ટ્રેક અને સર્વિસ રોડ પર વાહન પાર્કિંગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા બહાર પાડવામાં આવેલું છે. બીજી તરફ માનીતાઓને સાઇકલ ટ્રેકની લહાણી કરી સામાન્ય જનતા માટે કાયદાની ચાબુક વીંઝવામાં આવી રહી છે.
વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યા નિવારણ માટે માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના સાયકલ ટ્રેક, સર્વિસ રોડ તથા ફૂટપાથ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. હવેથી આ વિસ્તારમાં વાહનચાલકો પોતાના વાહનો સાયકલ ટ્રેક, સર્વિસ રોડ કે ફૂટપાથ પર પાર્ક કરી શકશે નહીં. જો કોઈ વાહનચાલક આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે નિયમાનુસાર કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ ટ્રાફિક પોલીસ દ્વારા માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના સાઇકલ ટ્રેકને ’નો-પાર્કિંગ’ ઝોન જાહેર કરીને ત્યાં વાહનો પાર્ક કરનારાઓ સામે ગુના નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે સરાહનીય પગલું છે.
પરંતુ, સવાલ એ થાય છે કે શું આ કડકાઈ માત્ર સામાન્ય લોકો માટે જ છે? રિંગ રોડના અન્ય વિસ્તારોમાં બેરોકટોક ચાલતા ગેરકાયદે કબજા સામે આંખ આડા કાન કેમ કરવામાં આવી રહ્યા છે? 150 ફૂટ રિંગ રોડ પર આવેલા કેટલાક અગ્રણી રેસ્ટોરન્ટ સંચાલકો અને ખાનગી હોસ્પિટલ તેમજ કાર મેળાવાળા અને કેટલાક વેપારીઓ દ્વારા જાહેર માર્ગો પર જાણે પોતાની માલિકી હોય તેમ ગેરકાયદે કબજો જમાવી દેવામાં આવ્યો છે.
મવડી ચોકડી પાસે આવેલ સહજાનંદ રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઇકલ ટ્રેક અને પાર્કિંગની જગ્યા પર એવો દબદબો જમાવવામાં આવ્યો છે કે જાણે તેમણે આખી જગ્યા ખરીદી લીધી હોય. અહીં આવતા ગ્રાહકો સિવાય અન્ય કોઈ નાગરિક પોતાના વાહન પાર્ક કરી શકતા નથી.તેમજ નાનામવા સર્કલ નજીક આવેલી કેટલીક ખાનગી હોસ્પિટલ દ્વારા પણ સાઇકલ ટ્રેક અને જાહેર રસ્તા પર દબાણ કરીને પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે જાહેર જગ્યા પોતાની માલિકીની હોય તેમ વાહન પાર્ક કરવા દેવામાં આવતા નથી જેના કારણે દર્દીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
એટલું જ નહીં, 150 ફૂટ રીંગ રોડ ઉપર સૌથી વધુ ન્યુસન્સ પોઈન્ટ કાર મેળા વાળાઓ છે, જૂની કાર લે-વેચ કરતા આ કાર મેળા વાળા પણ ખુલ્લેઆમ સાઇકલ ટ્રેક પર કબજો જમાવી દેવાયો છે છતાં તંત્ર દ્વારા કોઈ જ લાલ આંખ કરવામાં આવતી નથી.
શહેરમાં ટ્રાફિક નિયમન અને દબાણ હટાવવાની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સામાન્ય નાગરિક ભૂલથી પણ ક્યાંક વાહન મૂકે તો તુરંત જ ભારેખમ દંડ ફટકારવામાં આવે છે અથવા ગુનો નોંધવામાં આવે છે, જ્યારે મોટી હોસ્પિટલો, રેસ્ટોરન્ટ સંચાલકો અને પ્રભાવશાળી વ્યાપારીઓ દ્વારા થતા ગેરકાયદેસર દબાણો સામે ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ જાણી જોઈને મૌન ધારણ કરી બેઠા હોય તેવું પ્રતીતિ થાય છે. સ્થાનિક લોકોમાં ચર્ચા થઈ રહી છે કે તંત્ર દ્વારા ’માનીતાઓને ખુલ્લી છૂટ અને નિર્દોષોને હેરાનગતિ’ ની નીતિ અપનાવવામાં આવી રહી છે.
તંત્ર નક્કર પગલાં લેશે?
સાઇકલ ટ્રેક જાણે મનમાની ઝોન’ બની ગયા છે અને રેસ્ટોરન્ટ, હોસ્પિટલ અને કાર મેળાવાળાઓનું ગેરકાયદે રાસલીલા કરે છે ત્યારે સાઇકલ ટ્રેક પર કબ્જો જમાવતા માથાભારે સંચાલકો, તંત્ર મૌન સેવી લીધું છે.રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ જો ખરેખર શહેરને ટ્રાફિક મુક્ત અને વ્યવસ્થિત બનાવવા માંગતા હોય, તો કાયદો સૌ માટે સમાન ધોરણે લાગુ કરવો પડશે. માત્ર કાગળ પર નો-પાર્કિંગના બોર્ડ લગાવવાથી કે કેટલાક ચોક્કસ સ્થળોએ જ કાર્યવાહી કરવાથી સમસ્યા હલ નહીં થાય. જો વહેલી તકે આ ગેરકાયદે દબાણો દૂર કરવામાં નહીં આવે અને જવાબદારો સામે સપાટો બોલાવવામાં નહીં આવે, તો જનતા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. કાયદો સૌ માટે સમાન ક્યારે? શું તંત્ર આંખ ખોલશે કે આંદોલનની વાટ જોશે?
