રાજકોટ મહાપાલિકા દ્વારા આ વર્ષે દિવાળી કાર્નિવલના આયોજનમાં ખર્ચ અને દિવસોમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે દિવાળી કાર્નિવલ દરવર્ષની જેમ જ 5 દિવસનો રહેશે. પરંતુ અગાઉ 5 દિવસ રોશની કરવામાં આવતી હતી, જે ઘટાડીને 3 દિવસ કરવાનો નિર્ણય થયો છે. અને ગતવર્ષે થયેલા અંદાજિત રૂૂ. 1.25 કરોડના ખર્ચ સામે આ વર્ષે માત્ર રૂૂ. 32.51 લાખનો જ ખર્ચ રાખવામાં આવ્યો છે. રોશનીની સજાવટનાં દિવસો ઘટવાને કારણે વીજળીના વપરાશમાં પણ 40% જેટલી નોંધપાત્ર બચત થશે અને જો રેટ કોન્ટ્રાક્ટથી થતા ખર્ચને પણ ધ્યાનમાં લેવામાં આવે તો આ વર્ષે અડધાથી વધુ રકમની બચત થશે. આ માટે મનપા દ્વારા રૂૂ. 32.51 લાખનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવાળી પર્વને અનુલક્ષીને રેસકોર્સ રીંગ રોડ પર દિવાળી કાર્નિવલ, ફૂડ ફેસ્ટિવલ અને રંગોળી સ્પર્ધા સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટવાસીઓને શહેર બહાર ફરવા જવાનું મન ન થાય અને અન્ય શહેરોમાંથી પણ લોકો આ કાર્નિવલની મોજ માણવા ઉમટી પડે તેવું અદભુત આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અંદાજે રૂૂ. 32.50 લાખનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ કાર્નિવલ તારીખ 5થી 8 નવેમ્બર સુધી યોજાશે. જેમાં 6 નવેમ્બરથી 8 નવેમ્બર એમ 3 દિવસ રેસકોર્સ રિંગરોડ પર રંગબેરંગી રોશની કરવામાં આવશે.
ધનતેરસથી દિવાળી સુધી દરરોજ રાત્રે રેસકોર્સ રીંગ રોડ પર દિવસ ઉગે તેવો માહોલ સર્જાશે, જેમાં 40 વોટની 10 લેસર લાઈટથી રીંગરોડ ઝળહળશે અને નાગરિકો અંદાજિત 1 કલાક સુધી 10 સ્થળોએ ગોઠવાયેલા આ લેસર શોની મોજ માણી શકશે. આ ઉપરાંત, તારીખ 6 ના રોજ ધનતેરસના દિવસે રેસકોર્સ મેદાનમાં ભવ્ય આતશબાજી પણ યોજાશે. ચિત્રનગરીના સહયોગથી રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે, જેમાં વિવિધ કેટેગરીમાં 13 વિજેતાઓ અને 21 આશ્વાસન ઈનામ અપાશે. રંગોળી સ્પર્ધામાં અલગ અલગ રંગના કુલ 1375 કિલો ચિરોડી કલરનો ઉપયોગ કરવામાં આવશે તેમજ સ્પર્ધકો અને વોલેન્ટિયર્સ સહિત અંદાજિત 400 લોકો માટે સાંજના નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે.
દિવાળીની પરેડ અન્વયે સાંસ્કૃતિક અને દેશભક્તિ આધારિત 14 થી 20 ફૂટના 6 ટેબ્લો, અલગ અલગ વેશભૂષા સાથે 30 જેટલા કાર્ટૂન કેરેક્ટર તેમજ 8 થી 10 લોકોના ગ્રુપમાં મુવિંગ પર્ફોર્મન્સની 3 મંડળી આકર્ષણ જમાવશે. જેમાં ગુજરાતી રાસ મંડળી, રાજસ્થાની કચ્છી ઘોડી અને ઢોલી સાથે ધુમ્મર રાસ તેમજ ઢોલ અને છત્રી સાથે પંજાબી ભાંગડા નૃત્ય જેવા વિવિધતા સભર કાર્યક્રમો યોજાશે. પ્રથમ વખત રેસકોર્સ મેદાનમાં બેન્ડની સંગીતમય સુરાવલી સાથે ફુડ સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 55 થી વધુ આઉટલેટ્સ ભાગ લેશે. ગતવર્ષે દિવાળી કાર્નિવલ દરમિયાન અંદાજીત રૂૂ. 1.25 કરોડનો ખર્ચ થયો હતો, જેની સામે આ વર્ષે રૂૂ. 32.51 લાખનો ખર્ચ કરવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.
