રાજકોટ શહેરમાં લોકોની જિંદગી જોખમમાં મુકીને રાંધણ ગેસના બાટલાની ગેરકાયદેસર હેરાફેરી, રીફિલિંગ અને સંગ્રહખોરી કરનારા તકત્વો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે લાલઆંખ કરી છે. શહેરના ઢેબર રોડ પર આવેલા અટીકા વિસ્તારમાં મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે એસએમસીની ટીમે ગત સાંજે જુદા જુદા ઘરો અને ગોડાઉનોમાં એકસાથે દરોડા પાડ્યા હતા. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસને સ્થળ પર જ ગેસના મોટા બાટલાઓમાંથી નાના અને અન્ય બાટલાઓમાં જોખમી રીતે રીફિલિંગનું નેટવર્ક ચાલતું જોવા મળ્યું હતું. પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી બંને દરોડાના સ્થળો પરથી કુલ 553 નંગ રાંધણ ગેસના બાટલાઓ કબ્જે કર્યા છે. આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા વિવિધ નામાંકિત ગેસ એજન્સીના કર્મચારીઓ, ડિલિવરી બોય અને રિક્ષા ચાલકો સહિત કુલ 22 શખ્સો સામે કાયદેસરની કડક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ મેગા ઓપરેશન અંતર્ગત પ્રથમ દરોડો સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વજુભા ઝાલાની ફરિયાદના આધારે અટીકા આહિર ચોક પાસે નહેરૂૂનગર શેરી નંબર 8 અને 10માં આવેલા મકાન તથા ગોડાઉનમાં પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી પોલીસે તપાસ હાથ ધરીને ઘટનાસ્થળે હાજર બે શખ્સો અમિત ધીરુભાઈ ડાંગર (ઉ.વ.35) અને આશિષ રમેશભાઈ ગોંગરા (ઉ.વ.24)ને રંગેહાથ ઝડપી લીધા હતા. આ કેસમાં અન્ય સાત ભાગીદારોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ધીરૂૂ રાયઘનભાઈ ડાંગર, પ્રફુલ નારણભાઈ ડાંગર, ઉમેશ પ્રભાતભાઈ બોરીયા ઉપરાંત દ્વારકેશ ગેસ એજન્સીનો સંજય ચાવડા, ફ્રીડમ ગેસ એજન્સીનો સંજય રજપુત, આકૃતિ ગેસ એજન્સીનો રાજ અને જૈમિન ગેસ એજન્સીના તજુ નામના માણસોનો સમાવેશ થાય છે. આ તમામ સામે આવશ્યક ચીજવસ્તુ ધારા અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
ત્યારબાદ બીજો દરોડો એસએમસીના પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગતસિંહની ફરિયાદના આધારે ન્યુ નહેરૂૂનગર સાઉથ શેરી નંબર 4 અને ન્યુ નહેરૂૂનગર આરતી મેઇન રોડ શેરી નંબર 2 ખાતે આવેલા રહેણાંક મકાનોમાં પાડવામાં આવ્યો હતો. આ જગ્યાએથી પોલીસે વધુ 240 બાટલાઓ કબ્જે કરી સ્થળ પરથી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સોમાં હરદેવ કાનજીભાઈ ચાવડા, મેરામણ કરશનભાઈ ચાવડા, રમેશ ગગુભાઈ ચાવડા (રિક્ષા ચાલક), રાજસ્થાનના જોધપુરના રાકેશ મહેશકુમાર બિશ્નોઈ અને ઉત્તર પ્રદેશના ગોન્ડા જિલ્લાના પુરેનનાથ ઘનશ્યામભાઈ કોરીનો સમાવેશ થાય છે. આ બીજા કેસમાં પણ અન્ય આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે, જેમાં જમીન ગેસ એજન્સીના રાજુ સોલંકી અને કરણ લાવડીયા, મધુરમ ગેસ એજન્સીના મંગાભાઈ અને શૈલેષ ચાવડા, જય ભીમ ગેસ એજન્સીનો અરવિંદ નટ, એજીએસ પ્યોર ગેસ એજન્સીનો હિતેશ ચાવડા, રિક્ષા ડ્રાઈવર ચંદુ રાઠોડ અને ઝરીવાલા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો જીતેન્દ્ર સામેલ છે.
પોલીસ ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપો મુજબ, આ પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ પોતાના તેમજ ભાડાના ગોડાઉનોમાં કોમર્શિયલ અને ઘરેલું વપરાશના ગેસ સિલિન્ડરોનો ગેરકાયદેસર જથ્થો રાખતા હતા. તેઓ રહેણાંક વિસ્તારની વચ્ચે અત્યંત જ્વલનશીલ પદાર્થો અંગે ઘોર બેદરકારી દાખવી, સુરક્ષાના કોઈ પણ સાધનો વિના ગેસ રીફિલિંગનું જોખમી કામ કરતા હતા જેનાથી સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ સિવાય તેઓ સરકાર માન્ય નિર્ધારીત બજાર કિંમત કરતા ઉંચા ભાવે ગેસનું કાળાબજાર કરતા હતા અને સસ્તા ઘરેલું (ડોમેસ્ટિક) ગેસના બાટલાઓનો ગેરકાયદેસર રીતે કોમર્શિયલ હેતુ માટે મોંઘા ભાવે વેચાણ કરવાનો કારોબાર ચલાવતા હતા. આ કાળો કારોબાર આ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ધમધમતો હોવાની ચોંકાવનારી વિગતો પણ પોલીસ તપાસમાં બહાર આવી છે.
એસએમસીની આ સંયુક્ત દરોડાની કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી અલગ-અલગ કંપનીના ભરેલા અને ખાલી ગેસના બાટલા નંગ-201, રીફિલિંગ માટે વપરાતી ઇલેક્ટ્રિક મોટરો, વજનકાંટા, સીલ કરવા માટેની સામગ્રી, ડિલિવરીમાં વપરાતા વાહનો અને રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 4,63,445નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડીને બંને ગુનાઓ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યા છે. આ હાઇ-પ્રોફાઇલ કૌભાંડની આગળની ઊંડાણપૂર્વકની તપાસ હવે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે. ડી. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ. એચ. ગોહિલ અને તેમની ટીમ દ્વારા સંભાળવામાં આવી છે.
