વાવાઝોડું અર્નબ આખરે ભારતના બે મોટા રાજ્યોના દરિયાકાંઠે લેન્ડફોલ કરી ગયું. મંગળવારે મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ આ વાવાઝોડું ત્રાટકતાં 150 કિ.મી.ની ઝડપે તોફાની પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. ભારતીય હવામાન વિાભગના અહેવાલ અનુસાર અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની ચેતવણીના પગલે 84 હજારથી વધુ લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ચક્રવાત ’અર્નબ’ ના કારણે વિશાખાપટ્ટનમના આર.કે. બીચ પર ભયાનક મોજાં અને ઝડપી પવનો જોવા મળી રહ્યા છે. વાવાઝોડાના કારણે અનકાપલ્લી, કાકીનાડા, કોનસીમા, પૂર્વ ગોદાવરી અને પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં 100 મિલીમીટરથી વધુ ભારે વરસાદ નોંધાયો છે. વિશાખાપટ્ટનમમાં સેંકડો વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થતાં માર્ગ વ્યવહાર ખોરવાયો છે. અનેક ઘરોની દીવાલો અને છતોને ભારે નુકસાન પહોંચ્યું છે. અહેવાલો મુજબ રાજયના 714 ગામોને અસર થઇ હતી. વીજકરંટ લાગવાના કારણે બે વ્યક્તિની જાન ગઇ છે.
ભારતીય મોસમ વિભાગ (IMD) ના તાજેતરના બુલેટિન મુજબ, ’અર્નબ’ વાવાઝોડું અપેક્ષા કરતાં વધુ ઝડપથી પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાંથી આગળ વધીને આંધ્રના તટ પર ત્રાટક્યું હતું. લેન્ડફોલની પ્રક્રિયા 28 ઓક્ટોબર 2026ની વહેલી સવારે આશરે 01:20 વાગ્યે બાપટલાથી વિશાખાપટ્ટનમ વચ્ચે સ્થિત યનમ દક્ષિણે કાકીનાડા નજીક શરૂૂ થઈ ગઈ હતી.
પવનની ગતિમાં લેન્ડફોલ સમયે પવનની સતત ઝડપ 125 થી 135 કિમી/કલાક રહી હતી, જે એક ઝટકામાં 150 કિમી/કલાક ની ભયાનક સપાટીએ પહોંચી ગઈ હતી. દરિયામાં 1.5 થી 2.5 મીટર સુધીની તીવ્ર તુફાની લહેરો ઉછળી રહી છે, જ્યારે ગોદાવરી નદીના મુખ પાસે 2 થી 3.5 મીટર ઉંચા મોજાં ઉછળવાની ભીતિ છે. આંધ્ર પ્રદેશ ઉપરાંત દક્ષિણ ઓડિશાના તટીય જિલ્લાઓમાં પણ ભારે પવન સાથે ભયાનક વરસાદ ચાલુ છે.
સ્થાનિક તંત્ર અને પ્રશાસન દ્વારા તટીય વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 84000 થી વધુ લોકોને સુરક્ષિત રીતે ખસેડીને રેસ્ક્યૂ શેલ્ટરમાં રાખવામાં આવ્યા છે. લેન્ડફોલની પ્રક્રિયા 3 થી 4 કલાક સુધી ચાલુ રહેવાની શક્યતા હોવાથી કાકીનાડા, યનમ અને નરસપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઘરોમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.
