મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી ડીપ-સી પાઇપલાઇન પ્રોજેકટ રદ કરવા ઉગ્ર માંગ કરતુ માછીમાર જાગૃત મંડળ
પોરબંદરના દરિયાકાંઠે પર્યાવરણીય સંકટના વાદળો ઘેરાયા છે. જેતપુરના સાડી ઉદ્યોગોનું ઝેરી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ડીપ સી એક્સફ્લુઝન પાઈપલાઈન દ્વારા પોરબંદર જિલ્લાના સમુદ્રમાં ઠાલવવાની યોજના સામે માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માછીમાર જાગૃત મંડળ, જૂના બંદર, પોરબંદર દ્વારા આજે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને પોરબંદરના પનોતા પુત્ર અર્જુનભાઈ મોઢવાડિયાને લેખિત પત્ર પાઠવી આ યોજના તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી છે.મંડળના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર વર્ષથી આ યોજનાનો વિરોધ ચાલી રહ્યો છે. આ ઝેરી પાણીથી સાગરના જીવો, દરિયાઈ પર્યાવરણ, જમીન અને પોરબંદરના હજારો માછીમારોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડશે.
પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, અગાઉ માછીમાર બોટ એસોસિએશનને મંત્રી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આ કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં ઠલવાશે નહીં. મુખ્યમંત્રી અને સાંસદ ડો. મનસુખ માંડવીયાને પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે.વધુમાં, એપ્રિલ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લેખિત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેના અનુસંધાને પીએમઓ કચેરીમાંથી મંડળના પ્રમુખને ટેલિફોનિક સંપર્ક પણ કરવામાં આવ્યો હતો અને રાજ્ય સરકારને સૂચના આપવાની વાત કરાઈ હતી.હાલ સરકારની ખાતરીઓ છતાં પોરબંદર જિલ્લામાં પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂૂ થતા માછીમારોમાં આક્રોશ વધ્યો છે.
