જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિલાયન્સ કંપનીમાંથી રૂૂ. 59 લાખની કિંમતના 59 મેટ્રિક ટન પી.પી. દાણાની છેતરપિંડી આચરીને ભાગી છૂટેલો મુખ્ય આરોપી છેલ્લા ત્રણ વર્ષ બાદ રાજકોટ રેન્જની ટીમે ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં તેમજ અન્ય જિલ્લાઓમાં ગુનાઓ આચર્યા બાદ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા રેન્જ આઈજીની સુચના અન્વયે રેન્જની ટીમને બાતમી મળી હતી કે જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રિલાયન્સ કંપનીમાંથી રૂૂ. 59 લાખની કિંમતના 59 મેટ્રિક ટન પી.પી. ના જથ્થાની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરીને ભાગી છૂટેલો મુખ્ય આરોપી છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ પકડથી દૂર નાસતો ફરી રહ્યો છે. આ કેસના ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે, ફરાર આરોપી ભરત કલાભાઇ કેરાસીયા (રહે. ગામ-રંધોળા, તા. ઉમરાળા, જિ. ભાવનગર) ને ચોટીલા એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો.
પોલીસે પકડાયેલા આરોપીને હસ્તગત કરી કાયદેસરની પ્રક્રિયા અર્થે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો છે. આ સાથે જ જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સુચનાથી પી.આઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમના પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, એસ.પી.ગોહિલ, એ.વાય.ઉધાસ તથા સ્ટાફ કુલદિપસિંહ ચુડાસમા, નિકુલભાઇ પંપાણીયા, રવિરાજસિંહ વાળા, અનિરુધ્ધસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
