અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ મોબાઇલના મોટા રેકેટનો પર્દાફાશ

સેમસંગ કંપનીના લોગોવાળા બિલ વગરના 1034 નકલી ફોન ઝડપ્યા, 14 વેપારીઓ સામે કાગડાપીઠ પોલીસ મથકે ગુનો દાખલ અમદાવાદના ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેશન માર્કેટમાં આવેલી મોબાઇલની…

સેમસંગ કંપનીના લોગોવાળા બિલ વગરના 1034 નકલી ફોન ઝડપ્યા, 14 વેપારીઓ સામે કાગડાપીઠ પોલીસ મથકે ગુનો દાખલ

અમદાવાદના ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેશન માર્કેટમાં આવેલી મોબાઇલની દુકાનોમાં બ્રાન્ડેડ કંપનીના લોગોવાળા ડુપ્લિકેટ મોબાઇલ ફોનનું ધૂમ વેચાણ થતું હોવાનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે. ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે આવેલી મોબાઇલ માર્કેટમાં ગ્રાહકો સાથે છેતરપિંડી આચરીને ડુપ્લિકેટ મોબાઇલ વેચાતા હોવાની ચોક્કસ માહિતી એલસીબી ઝોન-6ની ટીમને મળી હતી. જેના આધારે પોલીસે અગાઉ જાણવા જોગ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસ શરૂૂ કરી હતી.

આ તપાસ દરમિયાન ગુરુગ્રામની રિએક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને દિલ્હીની અસ્વથ લીગલ વતી બ્રાન્ડેડ કંપનીના ઓથોરાઇઝ્ડ વ્યક્તિ તરીકે સીનિયર એસોસિએટ સૌરભકુમાર રાજેશ્વરી પાંડેયને બોલાવીને સઘન તપાસ કરાવવામાં આવી હતી. આ બ્રાન્ડેડ કંપનીના અધિકૃત પ્રતિનિધિ દ્વારા તપાસ કરાતાં માર્કેટમાં વેચાતા તમામ સેમસંગ મોબાઇલ ફોન તદ્દન બનાવટી હોવાનું અને કંપનીની કોઇપણ જાતની મંજૂરી વગર તેના ટ્રેડમાર્ક તથા લોગોનો ગેરકાયદેસર દુરુપયોગ કરીને ગ્રાહકોને અસલી તરીકે પધરાવી દઇ છેતરપિંડી કરાતી હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ ચોંકાવનારી વિગતો સામે આવ્યા બાદ એલસીબી ઝોન-6ની ટીમે ગીતામંદિર માર્કેટની ભોલેનાથ મોબાઇલ અને મહાવીર મોબાઇલ સહિતના વેપારીઓ પર ત્રાટકીને દરોડા પાડ્યા હતા. પોલીસે વેપારીઓની અંગઝડતી તેમજ તેમની દુકાન અને ગોડાઉનમાંથી કોઇપણ જાતના બિલ વગરના કુલ 1,034 નંગ નકલી મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા, જેની કિંમત ₹6,61,870 થાય છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી ₹12,000ની કિંમતનું એક એચ.પી. કંપનીનું લેપટોપ, ₹3,000ની કિંમતના ચાર્જર, ₹28,850ની કિંમતની મોબાઇલ બેટરીઓ અને ₹1,100ની કિંમતની મોબાઇલ બોડી મળીને કુલ ₹7,07,270નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપીઓની પોલીસે જ્યારે કડક પૂછપરછ કરી ત્યારે આ કૌભાંડના છેડા કાલુપુર સુધી લંબાયા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ કાલુપુર રિલીફ રોડ સ્થિત રાજ કોમ્પ્લેક્સ અને મેટ્રો પ્લાઝાના હોલસેલ વેપારીઓ પાસેથી કોઇપણ જાતના બિલ વગર આ ડુપ્લિકેટ માલ સસ્તા ભાવે ખરીદીને લાવ્યા હતા અને ગીતામંદિરમાં ગ્રાહકોને અસલી કહી ઊંચા ભાવે વેચતા હતા.
આ સમગ્ર કૌભાંડ મામલે કાગડાપીઠ પોલીસે ટ્રેડમાર્ક્સ એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની છેતરપિંડી અને ગુનાહિત કાવતરા સહિતની વિવિધ કલમો હેઠળ ગીતામંદિર માર્કેટના રિટેલ વેપારીઓ અને કાલુપુર રિલીફ રોડના જથ્થાબંધ સપ્લાયર્સ સહિત કુલ 14 વેપારીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *