જર્મનીના બોખુમ શહેરમાં રહેણાક ઇમારતમાં આગ લાગતાં અભ્યાસ માટે ગયેલા ત્રણ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. મૃતકોમાં 25 અને 27 વર્ષની બે યુવતીઓ તથા 26 વર્ષનો એક યુવક સામેલ છે. આ દુર્ઘટનામાં અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા છે. પોલીસે હત્યાની આશંકાએ 41 વર્ષના એક રોમાનિયન નાગરિકની ધરપકડ કરી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટના જર્મનીના નોર્થ રાઇન-વેસ્ટફેલિયા રાજ્યના બોખુમ શહેરમાં બુધવારે બની હતી.
રહેણાક ઇમારતમાં આગ લાગ્યાની જાણ થતાં જ અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇમારતમાં તપાસ દરમિયાન બીજા માળે આવેલા એક મકાનમાંથી ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા.મળતી માહિતી પ્રમાણે મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓ કેરળના છે. જેમાં અંજલી શીલા જોય, શિબિર જોની અને નોવા સબુનો સમાવેશ થાય છે.
