બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ફરજ દરમિયાન PGVCLના કર્મચારીનું કરુણ મોત નિપજતાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાણપુર PGVCL વિભાગમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય જયદીપભાઈ રમેશભાઈ પરમાર ધારપીપળા રોડ પર તાલુકા પંચાયત નજીક વીજપોલ ઉપર ચડીને નવા વીજમીટરનું કનેક્શન આપવાની કામગીરી કરી રહ્યા હતા.
આ દરમિયાન તેઓ અચાનક નીચે પટકાતાં આસ પાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા..
પ્રાથમિક માહિતી અનુસાર, રાણપુર શહેરના ધારપીપળા રોડ પર તાલુકા પંચાયત નજીક જયદીપભાઈ પરમાર વીજપોલ ઉપર ચડીને નવા વીજમીટરનું કનેક્શન આપવાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન અચાનક તેઓ નીચે પડી જતાં ઘટનાસ્થળે લોકો એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં પરિવારજનો સહિત ઉપસ્થિત લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી..
રાણપુર PGVCL વિભાગના હેલ્પર જયદીપભાઈ પરમારના મોતના સમાચાર મળતાં PGVCLના ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
મૃતક જયદીપભાઈ પરમારના પરિવારમાં પાંચ વર્ષનો પુત્ર અને બે વર્ષની પુત્રી છે. નાની ઉંમરે જ બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.
