ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની T20 શ્રેણી હવે એક રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી હાઈ-સ્કોરિંગ ચોથી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 24 રનથી પરાજય આપ્યો છે. આ શાનદાર જીત સાથે જ પ્રવાસી ટીમે શ્રેણીમાં 2-2 થી બરાબરી કરી લીધી છે. વિન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 247 રનનો વિશાળ ડુંગર ખડકી દીધો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ મજબૂત શરૂૂઆત છતાં 19.4 ઓવરમાં 223 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન શાઈ હોપે અદભૂત બેટિંગ કરતા ભારતીય બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. તેણે મેદાનની ચારેબાજુ શોટ્સ ફટકારતા માત્ર 50 બોલમાં જ 4 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગાની મદદથી 102 રનની અણનમ અને વિસ્ફોટક ઈનિંગ રમી હતી. કેપ્ટન શાઈ હોપને અન્ય બેટ્સમેનોનો પણ સારો સાથ મળ્યો હતો. શિમરોન હેટમાયરે આક્રમક વલણ દાખવતા 12 બોલમાં 33 રન અને રોવમેન પોવેલે 17 બોલમાં 24 રન ફટકાર્યા હતા. જ્યારે અંતિમ ઓવરોમાં શેરફેન રૂથરફોર્ડે 26 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 49 રન બનાવ્યા હતા. આ આક્રમક બેટિંગના આધારે વેસ્ટ ઈન્ડિઝે 247 રનનો તોતિંગ સ્કોર ઊભો કર્યો હતો.
248 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ તોફાની શરૂૂઆત કરી હતી. ભારતે માત્ર 3 ઓવરમાં જ 50 રન પૂરા કરીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં પોતાની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. ઓપનર સંજુ સેમસને વેસ્ટ ઈન્ડિઝના બોલરોને નિશાના પર લેતા 23 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 56 રન ઝૂડી કાઢ્યા હતા. આ જ શાનદાર ઈનિંગ દરમિયાન સેમસને પોતાના T20 ઈન્ટરનેશનલ કરિયરના 100 છગ્ગા પણ પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. જોકે, અન્ય ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.
ઈશાન કિશને પહેલા જ બોલે સિક્સર ફટકારી શરૂૂઆત સારી કરી, પણ તે ત્રીજા બોલે આઉટ થઈ ગયો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર પણ 11 બોલમાં માત્ર 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. યુવા બેટ્સમેન અભિષેક શર્માને પાવરપ્લેમાં રમવાની તક ઓછી મળી અને વધતા જતા દબાણમાં તે 24 બોલમાં 29 રન જ બનાવી શક્યો હતો. ગુડાકેશ મોતીએ ભારતને બેવડો ઝટકો આપતા 13મી ઓવરમાં અભિષેક શર્માને આઉટ કર્યા બાદ તરત જ નમન ધીરને શૂન્ય રને આઉટ કરી ભારતની કમર તોડી નાખી હતી. 12મી ઓવરમાં 130 રનના સ્કોરે ભારતની 5 વિકેટ પડી ચૂકી હતી. આ કપરા સમયે તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડીએ બાજી સંભાળીને સખત લડત આપી હતી. બંનેએ ઝડપી રન બનાવતા મેચમાં જીવંત આશા જગાડી હતી.
એક સમયે ભારતને 19 બોલમાં 48 રનની જરૂૂર હતી, ત્યારે તિલક વર્મા 25 બોલમાં 43 રન (2 ચોગ્ગા, 3 છગ્ગા) બનાવીને આઉટ થયો હતો. બીજી તરફ નીતિશ રેડ્ડીએ પણ 20 બોલમાં 1 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 41 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો ન હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કીમો પોલે શાનદાર અને ઘાતક બોલિંગ કરતા 41 રન આપીને 5 મહત્વની વિકેટ ઝડપી મેચનું પાસું પલટી નાખ્યું હતું.
કપ્તાન શ્રેયસ અય્યરે બોલરો પર ફોડ્યું હારનું ઠીકરું
હૈદરાબાદ T20I હાર બાદ શ્રેયસ ઐયરે એક બ્રોડકાસ્ટર સાથે વાત કરતા કહ્યું, મને લાગે છે કે અમારું બોલિંગ પ્રદર્શન પૂરતું સારું નહોતું. અમે યોગ્ય લાઇન અને લેન્થ સાથે પ્રદર્શન કર્યું ન હતું. 250 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ચોક્કસ પેટર્નની જરૂૂર પડે છે. પીછો કરતી વખતે અમારો અભિગમ સાચો હતો, પરંતુ કમનસીબે, અમે અમારી બોલિંગ યોજનાને યોગ્ય રીતે અમલમાં મૂકી શક્યા નહીં, અને ત્યાં જ અમે ઓછા પડ્યા. લક્ષ્યનો પીછો કરતી વખતે, અમે શરૂૂઆતમાં પ્રતિ ઓવર 12 રનના દરે રમી રહ્યા હતા. જોકે, તેઓએ તેમની યોજના સારી રીતે અમલમાં મૂકી, અને વિકેટે થોડી સહાય આપી. બોલ થોડો ઉછળી રહ્યો હતો, અને તેઓએ સારી ફિલ્ડિંગ પણ કરી, તેથી તેઓ આ જીત માટે શ્રેયને પાત્ર છે, કારણ કે તેમનું કાર્ય યોગ્ય હતું. જ્યારે ભારતીય ટીમ લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરી ત્યારે પિચ થોડી ધીમી પડી ગઈ. મેચ પછી આ વિશે પૂછવામાં આવતા, કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું, હા, બોલ થોડો અટકી રહ્યો હતો અને વધુ ઉછાળો હતો. અમારા બોલરોએ તેનો ફાયદો ઉઠાવ્યો અને જરૂૂરી ક્ષેત્ર અનુસાર બોલિંગ કરી.
કીમો પોલની શાનદાર વાપસી 41 રન આપી 5 વિકેટ ઝડપી
હૈદરાબાદનું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કીમો પોલના આ યાદગાર પ્રદર્શનનું સાક્ષી બન્યું. વેસ્ટ ઈન્ડિઝનો આ ઓલરાઉન્ડર બોલર લગભગ 4 વર્ષ સુધી ટીમની બહાર રહ્યો હતો. 4 વર્ષ બાદ તેની વાપસી થઈ છે. ચોથી T20 મેચમાં 5 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝ ટીમને જીત અપાવી. ભારતીય બેટ્સમેનોને રોકવામાં બોલર કીમો પોલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પાંચમી ઓવરમાં કીમો પોલે સંજુ સેમસન અને ઈશાન કિશનને આઉટ કરીને વેસ્ટ ઈન્ડિઝને વાપસી કરાવી હતી. ત્યારબાદ નીતિશ કુમાર રેડ્ડી ચોગ્ગા-છગ્ગા મારીને ભારતીય ટીમની જીતની આશા જીવંત રાખી રહ્યો હતો. પરંતુ 19 મી ઓવરમાં પોલે નીતિશ કુમાર રેડ્ડી અને અક્ષર પટેલને આઉટ કરીને ભારતની જીતની આશાઓને મોટો ફટકો આપ્યો હતો. એટલું જ નહીં, આ જ ઓવરમાં પોલે પ્રિન્સ યાદવની વિકેટ પણ ઝડપી હતી. પ્રિન્સ યાદવે અગાઉની મેચમાં અંતિમ ઓવરોમાં 3 બાઉન્ડરી મારીને ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ રીતે કીમો પોલે પોતાની 4 ઓવરમાં 41 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. T20 ઇન્ટરનેશનલ કારકિર્દીમાં કીમો પોલે બીજી વખત એક જ ઇનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આ પહેલાં તે વર્ષ 2018માં બાંગ્લાદેશ સામે આવું શાનદાર પ્રદર્શન કર્યું હતું. એટલે કે, 8 વર્ષ બાદ તેમણે ફરી એકવાર આ કારનામું કર્યું છે. કીમો પોલ T20 ઇન્ટરનેશનલમાં બે વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેનારા વિશ્વના માત્ર છઠ્ઠો બોલર બન્યો છે. આ ઉપરાંત, ભારત સામે T20 ઇન્ટરનેશનલમાં 5 વિકેટ લેનારા તેઓ માત્ર બીજો બોલર છે.
