ભાવનગરના વરતેજ ખાતે આવેલા રંગોલી પાર્ક રિસોર્ટમાં આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવ દરમિયાન હિન્દુ યુવા સંગઠન ભારત અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આશરે 200 જેટલા કાર્યકરો એકત્રિત થતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બંને સંગઠનોના કાર્યકરો ગરબા મહોત્સવમાં ચેકિંગની માંગ સાથે ત્યાં પહોંચ્યા હતા. તેમનું કહેવું હતું કે ગરબા મહોત્સવમાં મુસ્લિમ યુવકો છે કે નહીં તેની તપાસ કરવામાં આવે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચેકિંગ થવું જોઈએ. ગરબા મહોત્સવમાં પ્રવેશ કરીને ચેકિંગ કરવાની માંગ કાર્યકરોએ આયોજકો સમક્ષ રજૂ કરી હતી. તે દરમિયાન એક બાઉન્સરે સંગઠનના એક કાર્યકરનો કાંઠલો પકડી લેતાં મામલો વણસ્યો હતો.
આ ઘટનાને પગલે કાર્યકરો અને આયોજકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારબાદ બાઉન્સરને સામે લાવવાની માંગ સાથે બંને સંગઠનોના કાર્યકરો પ્રવેશદ્વાર પાસે રસ્તો રોકીને બેસી ગયા હતા.
સમગ્ર ઘટનાને પગલે સ્થળ પર પહોંચેલી પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. જોકે, કાર્યકરો પ્રવેશદ્વાર પાસે એકત્રિત રહેતાં પોલીસે દરમિયાનગીરી કરી હતી. ત્યારબાદ હિન્દુ યુવા સંગઠન ભારત અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરાયેલા કાર્યકરોને વરતેજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.
હિન્દુ યુવા સંગઠન સોશિયલ મીડિયાના પ્રમુખ શિવ ઠક્કર ના જણાવ્યા મુજબ “અમે રંગોલી પાર્ક ગરબા મહોત્સવમાં ચેકિંગ કરવાની માંગ આયોજકો સમક્ષ કરી રહ્યા હતા. તે દરમિયાન એક બાઉન્સરે મારો કાંઠલો પકડી હુમલો કરી મારો શર્ટ ફાડી નાખ્યો હતો. જેથી મારા સાથી કાર્યકરો ઉશ્કેરાતા સ્થિતિ વણસી હતી. આવા બાઉન્સર સામે લાવી તેની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે અમે વિરોધ નોંધાવી રસ્તા પર બેસી ગયા હતા. ત્યારબાદ વરતેજ પોલીસ મથકે લઈ જવાયા હતા.
