આજની સ્ત્રીમાં છે નવદુર્ગાના વિવિધ સ્વરૂપો

નવરાત્રીમાં ફક્ત દીકરીઓની નહીં પરંતુ દરેક નાગરિકની સુરક્ષા મહત્ત્વની: છેલ્લામાં છેલ્લી વ્યક્તિ ઘરે જઈને સૂઈ જાય ત્યાં સુધી અમારે જાગવાનું હોય છે: હેતલ પટેલ હેતલ…

નવરાત્રીમાં ફક્ત દીકરીઓની નહીં પરંતુ દરેક નાગરિકની સુરક્ષા મહત્ત્વની: છેલ્લામાં છેલ્લી વ્યક્તિ ઘરે જઈને સૂઈ જાય ત્યાં સુધી અમારે જાગવાનું હોય છે: હેતલ પટેલ

હેતલ પટેલ માને છે કે સ્ત્રીઓ માટે આર્થિક સ્વતંત્રતા કરતા વૈચારિક સ્વતંત્રતા મહત્ત્વની છે તથા સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે

“શક્તિની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આજની સ્ત્રીમાં નવદુર્ગાનાં વિવિધ સ્વરૂૂપોના દર્શન થાય છે. તેની શક્તિ માત્ર પહેરવેશમાં નહીં, પરંતુ તેના વિચારો, આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિમાં પણ પ્રગટે છે. પોતાની મર્યાદાઓ અને ક્ષમતાઓને તે સુપેરે ઓળખે છે. રોજિંદા જીવનમાં સમય ન મળવાની અને થાકની ફરિયાદ કરતી સ્ત્રી નવરાત્રિના નવ દિવસોમાં અનેક જવાબદારીઓ સાથે અડધી રાત સુધી ગરબાના તાલે ઝૂમે છે, છતાં તેના ઉત્સાહમાં ઓટ આવતી નથી આ છે નવરાત્રીની અનોખી ઉર્જા. કામના ભારણ વચ્ચે પણ ભક્તિ, પૂજા અને ગરબાનો આનંદ માણતી સ્ત્રી જાણે પોતાની અંદર રહેલી શક્તિને નવેસરથી ઓળખે છે”. આ શબ્દો છે રાજકોટ શહેરનાં ડીસીપી ઝોન-1 હેતલ પટેલના. નવરાત્રિ પર્વને લઈને ’ઉડાન’ કોલમ માટે આપેલ ખાસ મુલાકાત દરમિયાન તેમણે પરંપરા, બદલાવ, મહિલા સશક્તિકરણ અને નાગરિક સુરક્ષા, નાગરિક જવાબદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

લેઉવા પાટીદાર સમાજમાં જન્મેલાં અને અમદાવાદમાં અભ્યાસ અને ઉછેર થયો.જે સમયે તેમના સમાજમાં દીકરીઓનાં લગ્ન 18 કે 20 વર્ષની ઉંમરે કરી દેવાની પરંપરા જોવા મળતી, તે સમયમાં તેમનાં માતા-પિતાએ દીકરીને ઉચ્ચ શિક્ષણ મેળવવા અને પોતાની પસંદગીની કારકિર્દી ઘડવા માટે પ્રોત્સાહન આપ્યું. પિતાજી ઈસરોમાં સાયન્ટિસ્ટ હોવાના કારણે અમદાવાદમાં જ બીએસસી વિથ માઈક્રોબાયોલોજી કર્યું ત્યારબાદ માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી, મેડિકલ લેબ ટેક્નિશિયનનો એક વર્ષનો કોર્સ કર્યો અને કોમ્પિટિશનની તૈયારી કરી. ઉચ્ચ શિક્ષણની સફર દરમિયાન તેમના મનમાં યુનિફોર્મ સર્વિસમાં જોડાવાનું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. કોલેજકાળ દરમિયાન એનસીસીમાં જોડાઈને પાંચ રાષ્ટ્રીય સ્તરના કેમ્પમાં ભાગ લીધા બાદ આ સ્વપ્ન વધુ મજબૂત બન્યું. ત્રણ વખત જીપીએસસીની પરીક્ષા પાસ કરી. અલગ અલગ જગ્યાએ અલગ અલગ જવાબદારી નિભાવી. હાલ તેઓની રાજકોટ શહેરમાં ડીસીપી તરીકે નિમણૂક થઈ .

બદલાવને સ્વીકારવો જરૂરી
નવરાત્રિના બદલાતા સ્વરૂૂપ અંગે હેતલબેને જણાવ્યું કે સમય હંમેશાં બદલાતો રહે છે, તેથી બદલાવને સ્વીકારવો જરૂૂરી છે.પેઢી બદલાય છે અને તેની સાથે લોકોની પસંદગીઓ પણ બદલાય છે. જોકે, આ બધાની વચ્ચે પાયાના સંસ્કાર અને શક્તિની આરાધનાનું મહત્ત્વ ભૂલવું ન જોઈએ.

તેમણે ધ્વનિ પ્રદૂષણ અંગે પણ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે મોટા અવાજે સંગીત વગાડતાં પહેલાં એ વિચારવું જોઈએ કે તેની અસર માત્ર માણસો પર જ નહીં, પરંતુ પશુ-પંખીઓ સહિત સૃષ્ટિનાં અનેક જીવો પર પણ પડે છે. વધુ પડતા અવાજથી તેમની દૈનિક જીવનચર્યા અને કુદરતી ચક્ર ખોરવાઈ શકે છે. દિવસ દરમિયાન પોલીસ ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરે છે, જ્યારે નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી લોકો બહાર રહે છે. આવા સમયે પાર્કિંગ અને ટ્રાફિકની અવ્યવસ્થા ઊભી ન થાય તેની જવાબદારી નાગરિકોએ પણ સમજવી જોઈએ.

સંઘર્ષ વિના સફળતાનો આનંદ નથી
પોતાના જીવનના સંઘર્ષના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે એ સમયે જીવનનો એક દાયકો લાઇબ્રેરી અને રીડિંગ રૂૂમમાં અભ્યાસ કરતાં પસાર થયો હતો. મેળવેલ જ્ઞાન સતત તાજું રહે અને તેમાં વધારો થતો રહે તે માટે લખવાનું શરૂૂ કર્યું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને માર્ગદર્શન આપ્યું. ઇસરોમાં એક્સપર્ટ ઓપિનિયન અને રિસર્ચ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી. આર્થિક રીતે સ્વાવલંબી બનવા માટે જે કામ કરવાની તક મળી, તે કામ સ્વીકાર્યાં. જેમ માતા-પિતાએ શિક્ષણ અને કારકિર્દી માટે સ્વતંત્રતા આપી હતી તે જ રીતે લગ્ન બાદ સાસરિયાં પક્ષના પરિવારજનોએ પણ તેમને સતત સહયોગ આપ્યો. લગ્ન અને માતૃત્વ તેમની કારકિર્દીના માર્ગમાં અવરોધ બન્યા નહીં. ગર્ભાવસ્થા દરમિયાન પરીક્ષાઓ આપી ઇન્ટરવ્યૂમાં હાજરી આપી અને સાથે પરિવારની જવાબદારી પણ નિભાવી સરકારી નોકરીમાં વારંવાર થતી બદલીઓ વચ્ચે બંને દીકરીઓનો ઉછેર સારી રીતે થઈ રહ્યો છે તેનું શ્રેય પરિવારના સહયોગને જાય છે.

નિરાંતના સમયમાં જાત સાથે જીવવાનો શોખ
અનેક જવાબદારી વચ્ચે પણ તેઓ શાંતિથી કામગીરી કરે છે, લોકોના પ્રશ્નોના ઉકેલ લાવે છે તેનું કારણ કલા અને સાહિત્ય છે. તેઓએ જણાવ્યું હતું કે નિરાંતના સમયમાં જાત સાથે જીવી શકું એવા બધા જ શોખ મેં રાખ્યા છે. નાની દીકરી સાથે કથ્થક નૃત્ય શીખું છું.હાલ કથ્થકના પાંચમા વર્ષમાં છું. વોકલ, હાર્મોનિયમ શીખું છું. સ્વિમિંગ ગમે છે ટ્રાવેલિંગ, રાઇફલ શૂટિંગ, રીડિંગ ગમે છે. તેમની સફળતાનું શ્રેય તેઓ બંને પરિવારોના આશીર્વાદ ઈશ્વરની કૃપા ગુરુજીના આશીર્વાદ, મિત્રો, અડોશ પડોશના લોકોના સહયોગને આપે છે.

આર્થિક સ્વતંત્રતા કરતા વૈચારિક સ્વતંત્રતા મહત્ત્વની
તેઓએ જણાવ્યું હતું કે સબળાઓનું કદી શોષણ થતું નથી, એટલે સૌથી પહેલાં સબળ બનો. આર્થિક સ્વતંત્રતા કરતા વૈચારિક સ્વતંત્રતા મહત્વની છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજવો જરૂૂરી છે. આત્મવિશ્વાસ, શિક્ષણ અને યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા કેળવો. માત્ર બીજા માન આપે એ માટે નહીં, પોતાના આત્મસન્માન માટે પણ પોતાની અલગ ઓળખ બનાવો. સપનાં સાચાં હોય, માર્ગ યોગ્ય હોય તો પીછેહઠ કરવાની જરૂૂર નથી.

સુરક્ષાનો પ્રશ્ન માત્ર દીકરીનો નહીં, દરેક નાગરિકનો છે
નાગરિક સુરક્ષા અંગે તેઓએ જણાવ્યું કે પોલીસ માટે સુરક્ષાનો પ્રશ્ન માત્ર દીકરીઓ પૂરતો સીમિત નથી; દરેક નાગરિકની સુરક્ષા મહત્ત્વપૂર્ણ છે. છેલ્લામાં છેલ્લી વ્યક્તિ ઘરે જઈને સૂઈ જાય ત્યાં સુધી અમારે જાગવાનું હોય છે. જોકે, નાગરિકો પણ થોડી તકેદારી રાખે તો પોતાની સલામતી જાળવી શકે છે જેમ કે
અજાણ્યા અને અવાવરુ રસ્તાઓથી દૂર રહો.
ભીડમાં પરિચિત લોકો સાથે રહો અને એકલાં-અંધારાં સ્થળોએ જવાનું ટાળો.
અજાણી વ્યક્તિ પાસેથી ખાવા-પીવાની વસ્તુ સ્વીકારતાં સાવચેત રહો.
ઘરે પહોંચવાનો અંદાજિત સમય પરિવારને જણાવો.
મોબાઇલ ચાર્જ રાખો અને જરૂર મુજબ લોકેશન શેરિંગ ચાલુ રાખો.

112ની હેલ્પલાઇનનો સૌથી સારો રિસ્પોન્સ ટાઈમ રાજકોટમાં
તેઓએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં 112 ની હેલ્પલાઇનનો સૌથી સારો રિસ્પોન્સ ટાઈમ રાજકોટનો છે. લગભગ છ મિનિટની અંદર ત્રણથી ચાર પોલીસ સાથેની ગાડી સ્થળ પર પહોંચી જાય છે, તેથી જ્યાં પણ જરૂૂર લાગે ત્યાં ખચકાટ વગર કોલ કરો જેથી પોલીસ મદદ કરી શકે. ક્યાંક મારામારી થાય, ટ્રાફિક જામ કે કોઈની છેડતીનો બનાવ બને તો જાગૃત નાગરિક તરીકે 112 નો સંપર્ક કરી શકો છો.

સોશિયલ મીડિયાના એટીકેટ્સ જાણો
તેઓએ સોશિયલ મીડિયામાં સાવચેત રહેવા બાબત યુવાઓને જણાવ્યું હતું કે
એકાઉન્ટની પ્રાઇવસી સેટિંગ્સ તપાસો.
અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતાં પહેલાં વિચાર કરો.
અંગત ફોટા અને માહિતી જાહેરમાં મૂકતાં પહેલાં સાવચેતી રાખો કે તેનો દુરુપયોગ ન થાય.
જાહેરમાં રમતી વખતે અજાણી વ્યક્તિ તમારી સંમતિ વગર ફોટો કે વીડિયો ન લે તેની તકેદારી રાખવી. આમ છતાં કોઈ વ્યક્તિ હેરાન કરે તો તેને હાવી ન થતા 112 ને જાણ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *