ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકોની ચુંટણીના પરિણામો આજે જાહેર થઇ જતા 44માંથી 38 બેઠકો જીતી ભાજપે દબદબો જાળવી રાખ્યો છે. પરંતુ 2021ની ચૂંટણી કરતા આ વખતે સતાધારી પક્ષ ભાજપને 3 બેઠકોનું નુકશાન ગયું છે. જયારે કોંગ્રેસને 2021માં બે બેઠકો મળી હતી તે વધીને પાંચ થઇ છે અને એક બેઠક અપક્ષના ફાળે ગઇ છે. આમઆદમી પાર્ટીને 2021માં એક બેઠક મળી હતી પરંતુ આ ચુંટણીમાં ‘આપ’નું ખાતુ પણ ખુલ્યુ નથી અને એક બેઠક હતી તે પણ ગુમાવી દીધી છે. 2021ની ચૂંટણીમાં 56.24 ટકા મતદાન થયું હતું. જયારે આ ચુંટણીમાં મતદાન 3 ટકા વધીને 59.25 ટકા થયું હતું.
પરિણામમાં ભાજપે મોટાભાગના વોર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9, 10 અને 11 માં ભાજપે તમામ 4-4 બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે.
વોર્ડ નંબર 2માં ભાજપને 3 બેઠકો મળી છે અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નંબર 7માં ભાજપને 3 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. આ પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 6માં જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસે તમામ 4 બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે અને ભાજપને એક પણ બેઠક મળી નથી.
ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 1, 3, 5, 7 અને 9માં ભાજપની પેનલ આગળ રહી છે. જાહેર થયેલા પરિણામો મુજબ વોર્ડ નં. 3, 5, 7 અને 9માં ભાજપના તમામ ઉમેદવારોએ જીત મેળવી છે. વોર્ડ નં. 3માં મિતલબેન, સોનાલીબેન પટેલ, અંકિત બારોટ અને ઉમેશ જ્હાં વિજયી થયા છે. વોર્ડ નં. 5માં હેમાબેન ભટ્ટ, ધ્વનિ શાહ, કનૈયા દેસાઈ અને કિંજલકુમાર પટેલે જીત મેળવી છે. વોર્ડ નં. 7માં કિંજલબેન ઠાકોર, સોનલબા વાઘેલા, ભાવિક સુતરિયા અને શૈલેષકુમાર પટેલ વિજયી થયા છે. જ્યારે વોર્ડ નં. 9માં શારદાબેન ઠાકોર, વૈદિહી રાવલ, જયંતિભાઈ ડાભી અને મહેન્દ્રભાઈ પટેલે જીત મેળવી છે. ગાંધીનગરમાં ભાજપની આ સફળતા પાછળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રણનીતિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છબી, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેની મહેનત તેમજ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને રીટાબેન પટેલના પ્રયાસોની ચર્ચા થઈ રહી છે.
શહેરી વિસ્તારોમાં ‘આપ’નું ખાતુ ખુલ્યુ નહીં, દ્વારકા જિલ્લા પંચાયતની બેઠક કબજે કરી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. પરંતુ ત્રણેય સંસ્થાઓમાં આમ આદમી પાર્ટીનું ખાતુ ખુલ્યુ નથી. શહેરી વિસ્તારોમાં હજુ આપનો પનો ટુંકો પડી રહ્યો છે. જો કે દ્વારકા જિલ્લા પંચાયતની એક બેઠક આપે ભાજપ પાસેથી છીનવી લીધી છે. બનાસકાંઠાની થરા નગર પાલિકાની વાત કરીએ તો આ ચૂંટણીમાં કૂલ 6 વોર્ડની 24 બેઠકો પર મતદાન યોજાયું હતું. 59 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયું હતું. આજે પરિણામ આવતાં જ થરામાં એક બેઠકના નુકસાન સાથે ભાજપે આ વખતે પણ સત્તા ટકાવી રાખી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને 24માંથી 19 બેઠકો પર વિજય મળ્યો છે. જ્યારે પાંચ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. આ વખતે આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલ્યું નથી. ઓખા નગર પાલિકાની 9 વોર્ડની કૂલ 36 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસને માત્ર 3 બેઠકો પર જ વિજય મળ્યો છે. આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલ્યુ નથી. ઓખા નગર પાલિકામાં ભાજપે પોતાનો બે દાયદાથી ચાલી આવતો સત્તાનો ગઢ સાચવી રાખ્યો છે. આ સિવાય ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપને 38, કોંગ્રેસને પાંચ અને અપક્ષને એક બેઠક મળી છે. જયારે ‘આપે’ એક બેઠક હતી તે પણ ગુમાવી છે.
