પંજાબમાં એન્ટી-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિંદર ઝોટાની ગોળી મારીને હત્યા, જુઓ VIDEO

  પંજાબના માનસામાં આજે એક મોટી ઘટના બની છે. નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે અવાજ ઉઠાવનાર એન્ટી-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિંદર ઝોટાની આજે સવારે જાહેરમાં ગોળી મારીને…

 

પંજાબના માનસામાં આજે એક મોટી ઘટના બની છે. નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે અવાજ ઉઠાવનાર એન્ટી-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિંદર ઝોટાની આજે સવારે જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.આજે સવારે બનેલી આ ગોળીબારની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે હોબાળો જોવા મળી રહ્યો છે.

પરવિંદર ઝોટા પંજાબમાં નશીલા પદાર્થોના ખુલ્લેઆમ થતા વેચાણનો મુદ્દો સતત ઉઠાવતા હતા. તેઓ ડ્રગ્સના ગેરકાયદે કારોબાર સામે અવાજ ઉઠાવવા માટે જાણીતા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, પરવિંદર ઝોટા એક મેડિકલ સ્ટોર પર ગયા હતા. ત્યાં તેમણે દુકાનના માલિકને એવા વ્યક્તિ વિશે પૂછપરછ કરી હતી, જેણે કથિત રીતે તે જ સવારે દુકાનમાંથી નશીલા પદાર્થો ખરીદ્યા હતા. આ મુદ્દે ઝોટા અને દુકાનમાં હાજર વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન દુકાનમાં હાજર વ્યક્તિએ ઝોટા પર ગોળીબાર કર્યો હતો. ગોળીઓ શરીરની આરપાર નીકળી જતાં તેમનું મોત થયું હતું.

ઘટના બાદ દુકાનનો માલિક દુકાન બંધ કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને પરવિંદર ઝોટાના સમર્થકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.

પરવિંદર ઝોટાની હત્યા બાદ પંજાબમાં રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડીંગે આ મામલે ભગવંત માન સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ નશા વિરુદ્ધ સરકાર દ્વારા ચલાવવામાં આવતા અભિયાન પર સવાલો ઉઠાવ્યા છે.

રાજા વડીંગે આક્ષેપ કર્યો છે કે પરવિંદર ઝોટા પંજાબમાં નશા વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા, પરંતુ આમ આદમી પાર્ટીની સરકારે તેમના પ્રયાસોને પૂરતું સમર્થન આપ્યું નહોતું.

બીજી તરફ, શિરોમણી અકાલી દળે પણ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભગવંત માન સરકારને ઘેરી છે. પાર્ટીએ મુખ્યમંત્રીને સવાલ કર્યો છે કે આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે સરકાર આખરે કોની રાહ જોઈ રહી છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *