ગાંધીનગર મનપામાં 56.44%, થરામાં 81% મતદાન

રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએમસી)માં 59.25 ટકા મતદાન નોંધાયું હતું. થરા નગરપાલિકામાં 81.18 ટકા અને ઓખા નગરપાલિકામાં 63.27 ટકા મતદાન થયું…

રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએમસી)માં 59.25 ટકા મતદાન નોંધાયું હતું. થરા નગરપાલિકામાં 81.18 ટકા અને ઓખા નગરપાલિકામાં 63.27 ટકા મતદાન થયું હતું, એવું રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું.

આ આંકડા અસ્થાયી છે, એમ રાજ્ય ચૂંટણી પંચના જોઈન્ટ કમિશનર એન.કે. દમોરે જણાવ્યું હતું. ત્રણેય સ્થાનિક સંસ્થાઓમાં મતદાન સવારે 7 વાગ્યે શરૂૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂરું થયું હતું. સાથે જ રાજ્યના વિવિધ નગરપાલિકાઓ તથા જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકો માટે પણ પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. કોઈ મોટી અનિચ્છનીય ઘટના નથી બની. મતદાન શાંતિપૂર્ણ રીતે થયું, દમોરે કહ્યું હતું.

જીએમસીની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 130 ઉમેદવારો મેદાનમાં હતા. મુખ્ય સ્પર્ધા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે હતી. જીએમસીમાં આશરે 2.59 લાખ મતદારો છે.
ઑક્ટોબર 2021ની ચૂંટણીમાં ભાજપે 44માંથી 41 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને બે અને આપને એક બેઠક મળી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં નવ વોર્ડની કુલ 36 બેઠકોમાંથી 32 બેઠકો માટે મતદાન થયું હતું, કારણ કે ચાર બેઠકો બિનહરીફ જીતી લેવામાં આવી હતી. બનાસકાંઠાની થરા નગરપાલિકામાં છ વોર્ડની 24 બેઠકો માટે 59 ઉમેદવારો મેદાનમાં હતા. ગાંધીનગરમાં વોર્ડ 4માં સૌથી વધુ 74.78 ટકા અને વોર્ડ 1માં 71.22 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે વોર્ડ 5માં સૌથી ઓછું 48.63 ટકા મતદાન થયું હતું. મતગણતરી 13 ઑક્ટોબરે યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *