ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ક્રિકેટ ટક્કર હવે માત્ર મેદાન પૂરતી સીમિત રહી નથી. બંને ટીમોના કેપ્ટન શુભમન ગિલ અને શાઈ હોપની સોશિયલ મીડિયા પોસ્ટ પણ ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચી રહી છે. ભારત સામે શાનદાર બેટિંગ કરીને વેસ્ટ ઇન્ડિઝને યાદગાર જીત અપાવનાર શાઈ હોપે ઇન્સ્ટાગ્રામ પર એવું કેપ્શન લખ્યું, જેનો સંબંધ શુભમન ગિલની અગાઉની પોસ્ટ સાથે જોડવામાં આવી રહ્યો છે. આ ઘટનાની શરૂૂઆત ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી વનડે મેચ બાદ થઈ હતી. ગૌહાટીમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 406 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરીને શાનદાર જીત નોંધાવી હતી. આ મુકાબલામાં શુભમન ગિલે યાદગાર બેટિંગ કરતાં અણનમ 223 રન બનાવ્યા હતા. તેમની આ ઇનિંગે ભારતીય ટીમને મુશ્કેલ દેખાતા લક્ષ્યાંક સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ શાનદાર જીત બાદ ગિલે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી હતી. તેની સાથે તેમણે ’406? કૂલ’ એવું ટૂંકું કેપ્શન લખ્યું હતું. હવે આ જ કેપ્શનની ચર્ચા ફરી શરૂૂ થવાનું કારણ શાઈ હોપની બેટિંગ અને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ છે. ભારત સામે રમાયેલી બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 250 રનનો મોટો લક્ષ્યાંક મળ્યો હતો. આ પડકારજનક પરિસ્થિતિમાં કેપ્ટન શાઈ હોપે જવાબદારી સંભાળી અને માત્ર 45 બોલમાં અણનમ 102 રન ફટકાર્યા હતા. જીત બાદ હોપે ઇન્સ્ટાગ્રામ પર મેચની તસવીરો શેર કરીને ’250? કૂલ’ એવું કેપ્શન આપ્યું. ગિલના અગાઉના ’406? કૂલ’ કેપ્શન સાથે તેની સમાનતાને કારણે આ પોસ્ટ ખાસ ચર્ચામાં આવી છે. બંને પોસ્ટમાં મોટા રનના આંકડા સાથે ’કૂલ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી ક્રિકેટ ચાહકોને આ સંયોગ રસપ્રદ લાગી રહ્યો છે.
