ગુજરાત હાઇકોર્ટે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી)-1, અમદાવાદના પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ ગુપ્તાને અવમાનનાની નોટિસ જારી કરી છે. ન્યાયિક આદેશનું પાલન ન કરવા અને એક વેપારીની સિક્યોરિટાઇઝેશન અરજી ત્રણ વર્ષ સુધી લટકતી રાખવાના આક્ષેપ સામે આ કાર્યવાહી શરૂૂ થઈ છે.
ન્યાયમૂર્તિ એન. એસ. સંજય ગૌડા અને ન્યાયમૂર્તિ જે. એલ. ઓડેદરાની ડિવિઝન બેન્ચે કઠવાડા સ્થિત ઉદ્યોગપતિએ અદાલતનો દરવાજો ખખડાવ્યા બાદ અવમાનનાની કાર્યવાહી હાથ ધરી. અરજી મુજબ, વેપારીએ 2014માં બેંક ઓફ બરોડા પાસેથી લોન લીધી હતી અને તેમાંથી નોંધપાત્ર રકમ ચૂકવી દીધી હતી. છતાં બેંકે આરબીઆઈની માર્ગદર્શિકાનો ભંગ કરીને ખાતાને નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) જાહેર કર્યું અને મિલકતની હરાજીની કાર્યવાહી શરૂૂ કરી હોવાનો આક્ષેપ છે.
આ મનસ્વી પગલા સામે વેપારીએ સરફેસી કાયદા હેઠળ ડીઆરટી-1 સમક્ષ સિક્યોરિટાઇઝેશન અરજી દાખલ કરી હતી. લાંબા વિલંબને કારણે અરજદાર હાઇકોર્ટમાં ગયા. હાઇકોર્ટે 4 ઓગસ્ટ 2023ના રોજ ડીઆરટી-1ને પેન્ડિંગ અરજીનો ઝડપી નિકાલ કરવા નિર્દેશ આપ્યો હતો. અરજદારના વકીલે દલીલ કરી કે હાઇકોર્ટના આદેશને ત્રણ વર્ષ થઈ ગયા છતાં પ્રિસાઇડિંગ ઓફિસરે બંધનકર્તા ન્યાયિક આદેશને જાણીજોઈને અવગણ્યો છે. બેન્ચે આ ઇરાદાપૂર્વકના અનુપાલનની ગંભીર નોંધ લઈ ગુપ્તાને નોટિસ જારી કરી છે. આગામી સુનાવણી આવતા મહિને રાખવામાં આવી છે.
