ભાજપ વિરોધી છાપ ધરાવતા ડીજીપી વોરાની સેવા સમાપ્ત: APPને ચાર્જ

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના ન્યાયિક અને વહીવટી વર્તુળોમાં મોટી હલચલ મચાવતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 11 વર્ષમાં 100થી વધુ…

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના ન્યાયિક અને વહીવટી વર્તુળોમાં મોટી હલચલ મચાવતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 11 વર્ષમાં 100થી વધુ આરોપીઓને સજા અપાવનાર અને અનેક ફરિયાદો-આક્ષેપોના વિવાદ વચ્ચે ભાજપ વિરોધી છાપ ધરાવતા રાજકોટ જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર સંજય વોરાની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી તેમની જગ્યાએ પૂર્વ ડીજીપી અને એપીપી મહેશકુમાર જોષીને ડીજીપી તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. નિમણૂક થતા જ મહેશકુમાર જોષીએ આજે શુભ મુહરતે અભિજીત યોગમાં વિધિવત જિલ્લા સરકારી વકીલ તરીકેનો ચાર્જ સાંભળ્યો હતો.

ગાંધીનગર સચિવાલય ખાતેથી રાજ્યપાલના હુકમથી ગૃહ વિભાગના નાયબ સચિવ અમૃત પટેલની સહીથી બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, રાજકોટના જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર (જિલ્લા સરકારી વકીલ) સંજય કે. વોરાની સેવાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે સમાપ્ત કરી દેવામાં આવી છે. ગૃહ વિભાગના આ નિર્ણયથી રાજકોટ કોર્ટ અને કાયદાકીય ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે. સંજય કે. વોરાની સેવાઓ સમાપ્ત થતાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર મહેશકુમાર એસ. જોષીને રાજકોટ જિલ્લાના પબ્લિક પ્રોસિક્યુટર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

સરકારી આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મહેશકુમાર એસ. જોષીને સોંપાયેલો આ વધારાનો હવાલો ગુજરાત પ્રોસિક્યુટીંગ અધિકારીઓ (નિમણૂક અને સેવાની શરતો) નિયમો-2026માં નિર્દિષ્ટ કરાયેલી તમામ શરતો તેમજ વખતોવખત થતા સુધારા-વધારાને આધીન રહેશે. આ મહત્વપૂર્ણ જાહેરનામાની નકલો રાજકોટના જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા અને સેશન્સ જજ, ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન (ગાંધીનગર), જિલ્લા તિજોરી અધિકારી તથા કાયદા વિભાગ સહિતના તમામ સંબંધિત ઉચ્ચ અધિકારીઓને જરૂૂરી નોંધ અને અમલવારી અર્થે મોકલી આપવામાં આવી છે. નિમણૂક થતા જ મહેશકુમાર જોષીએ આજે શુભ મુહરતે અભિજીત યોગમાં જિલ્લા સરકારી વકીલ તરીકેનો ચાર્જ સાંભળ્યો હતો.

રાજ્યના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના સાંસદ સ્વ. અભયભાઈ ભરદ્વાજ સાથે વકીલાતની શરૂૂઆત કરનાર મહેશકુમાર જોષી અગાઉ ત્રણ વર્ષ સુધી જિલ્લા સરકારી વકીલ તરીકે અને હાલ એપીપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. મહેશકુમાર જોષીની ડીજીપી તરીકે નિમણૂક થતા અભયભાઈ ભરદ્વાજ એસોસીએટ, બાર એસો., ડિસ્ટ્રીકટ બાર, મહિલા બાર, ક્લેઇમ બાર સહિતના વિવિધ વકીલ મંડળો, અને બીસીજીના પ્રીતિનિધિ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *