કેટલા લોકોને પકડશો, અમે અઢી કરોડ છીએ: કોંક્રોચનો હુંકાર

  મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે દિલ્હીના જંતર-મંતર પર આગામી 10 ઓક્ટોબરે યોજાનાર વિરોધ પ્રદર્શન પહેલાં રાજકારણ ગરમાયું છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા…

 

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે દિલ્હીના જંતર-મંતર પર આગામી 10 ઓક્ટોબરે યોજાનાર વિરોધ પ્રદર્શન પહેલાં રાજકારણ ગરમાયું છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં તેમના હજારો સ્વયંસેવકો અને કાર્યકર્તાઓને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે. CJPના સહ-સંયોજક આશુતોષ રાંકાએ પોલીસ કાર્યવાહી સામે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે પોલીસ કેટલા લોકોને અરેસ્ટ કરશે, કારણ કે દેશમાં 2.5 કરોડ કોકરોચ છે.

દિલ્હીમાં યોજાનારા આ પ્રદર્શન અગાઉ ગુરુવારે બેંગલુરુમાં પણ એક વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે મહારાષ્ટ્ર, યુપી અને બંગાળમાં જે વોલન્ટિયર્સ 10 ઓક્ટોબરના પ્રોટેસ્ટમાં જોડાવાની તૈયારી કરી રહ્યા હતા, તેમની અટકાયત કરવામાં આવી છે. તેમણે કોલકાતાની એક ઘટનાનો ઉલ્લેખ કરતા દાવો કર્યો કે અબ્દુલ અને તેની ટીમને સાદા કપડામાં આવેલા લોકોએ ઉઠાવી લીધા છે અને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે.

સીજેપી નેતાએ વ્યંગ કરતા કહ્યું કે આ રાજ્યો હવે સંપૂર્ણપણે અપરાધ મુક્ત થઈ ગયા હોય તેમ પોલીસ શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારાઓને પકડવામાં વ્યસ્ત છે. આંદોલન સાથે જોડાયેલા અન્ય નેતા સૌરભ દાસે પણ અગાઉ આશંકા વ્યક્ત કરી હતી કે 10 ઓક્ટોબર પહેલા પોલીસ તેમને અને અન્ય નેતાઓને કસ્ટડીમાં લઈ શકે છે. સૌરભ દાસે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી કમિશનરના રાજીનામાની આ લડાઈ લાંબી ચાલી શકે છે અને આપણામાંથી ભલે ગમે તેટલા લોકોને કસ્ટડીમાં લેવામાં આવે, પરંતુ જો મતદાન કરવાનો અધિકાર સુરક્ષિત રાખવો હશે તો આ ભ્રષ્ટ સિસ્ટમ સામેની લડાઈ ચાલુ જ રાખવી પડશે.

 

મંજૂરીની જરૂર શી છે? પોલીસે પરવાનગી ન આપતા દાસ ભડકયા

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રદર્શન પહેલાં આજે CJPના સહ-સંયોજક સૌરવ દાસ પોતાના સમર્થકો સાથે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને દિલ્હી પોલીસને પ્રદર્શન અંગે ઔપચારિક જાણકારી આપી હતી. પોલીસની મંજૂરી ન મળ્યા બાદ સૌરવ દાસે સવાલ ઉઠાવ્યો હતો કે જંતર-મંતર જેવા નિર્ધારિત પ્રદર્શન સ્થળે વિરોધ કરવા માટે પોલીસની ’મંજૂરી’ શા માટે જરૂૂરી હોવી જોઈએ? તેમણે જણાવ્યું કે CJP 10 ઓક્ટોબરે જંતર-મંતર ખાતે પ્રદર્શન કરશે. પાર્ટીએ પોલીસને અગાઉથી ઔપચારિક જાણકારી એટલા માટે આપી છે, જેથી બાદમાં પોલીસને પ્રદર્શન અંગે જાણકારી નહોતી તેવો કોઈ વિવાદ ઊભો ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *