ચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી વધુ 100 દસ્તાવેજો મળ્યા, કુલ આંકડો 250ને પાર

રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા અને જરૂૂરિયાતમંદ ખેડૂતોને વ્યાજે નાણાં આપી તેમની કિંમતી જમીનો છેતરપિંડી અને ધાકધમકીથી હડપ કરી લેવાના મહાકૌભાંડમાં દરરોજ નવા અને…

રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા અને જરૂૂરિયાતમંદ ખેડૂતોને વ્યાજે નાણાં આપી તેમની કિંમતી જમીનો છેતરપિંડી અને ધાકધમકીથી હડપ કરી લેવાના મહાકૌભાંડમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મુખ્ય સૂત્રધાર અલ્પેશ દોગા અને તેની ટોળકી સામે ચાલી રહેલી તપાસ દરમિયાન પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ)ને વધુ એક મોટી સફળતા મળી છે. અલ્પેશની વધુ એક ગુપ્ત ઓફિસમાંથી 100 જેટલા શંકાસ્પદ દસ્તાવેજો મળી આવતાં તપાસ અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. આ નવા ખુલાસા બાદ કૌભાંડનો વ્યાપ કેટલો વિશાળ હશે અને કેટલા ખેડૂતો આ ઠગાઈનો ભોગ બન્યા હશે તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

રાજકોટ રૂૂરલ પોલીસ દ્વારા આ તોસ્તાન કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે રચવામાં આવેલી સીટની ટીમ અલ્પેશની સતત સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસ પૂછપરછ દરમિયાન અલ્પેશે અગાઉ છુપાવેલી માહિતી ઓકી હતી અને 150 ફીટ રિંગ રોડ પર આવેલી પોતાની એક ગુપ્ત ઓફિસનું સરનામું આપ્યું હતું. આ ઓફિસ વિશે તેણે અગાઉની પૂછપરછમાં પોલીસથી માહિતી છુપાવી રાખી હતી. માહિતી મળતાં જ સીટની ટીમે તાત્કાલિક તે સ્થળે દરોડો પાડીને સઘન સર્ચ હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ત્યાંથી જમીનો અને મિલકતોને લગતા વધુ 100થી પણ વધારે દસ્તાવેજો મળી આવ્યા છે, જેને પોલીસે કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સીટની ટીમે અગાઉ અલ્પેશની પ્રાથમિક ઓફિસ અને ઠેકાણાઓ પરથી 150થી વધુ દસ્તાવેજો જપ્ત કર્યા હતા. હવે નવી ગુપ્ત ઓફિસમાંથી મળેલા 100 દસ્તાવેજો ઉમેરાતાં અત્યાર સુધીમાં પોલીસ દ્વારા એકંદર 250થી પણ વધુ મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.

જપ્ત કરાયેલા આટલી મોટી સંખ્યાના દસ્તાવેજોમાંથી કેટલા ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે અને કેટલી જમીનો ગેરકાયદેસર રીતે પોતાના નામે કે પોતાના મળતિયાઓના નામે ટ્રાન્સફર કરાવી લેવામાં આવી છે, તે દિશામાં સીટની ટીમ હવે દસ્તાવેજી પુરાવાઓની બારીકાઈથી ચકાસણી કરી રહી છે. આટલા મોટા પ્રમાણમાં મિલકતના કાગળો મળી આવતાં ખુદ પોલીસ તંત્ર પણ કૌભાંડના વાસ્તવિક કદનો અંદાજ મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે.

પોલીસ વર્તુળોના જણાવ્યા અનુસાર, અલ્પેશ ક્રાઇમ બ્રાંચના હાથમાં આવ્યા બાદ હાથ ધરાનારી સઘન પૂછપરછમાં કૌભાંડના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે તે અંગેના અન્ય ઘણા ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવે તેવી પ્રબળ શક્યતા છે. નોંધનીય છે કે અલ્પેશ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને આગામી દિવસોમાં વધુ પીડિત ખેડૂતો સામે આવે તેવી સંભાવનાને પગલે વધુ નવા ગુનાઓ દાખલ થાય તેવા પૂરેપૂરા એંધાણ છે.

બીજી તરફ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા પણ અલ્પેશ અને તેની સંગઠિત ટોળકી સામે ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમે આ કેસમાં અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને હવે જેલમાં રહેલા મુખ્ય કૌભાંડકાર અલ્પેશનો કાનૂની કબજો મેળવવા માટેની કાયદાકીય તજવીજ ઝડપી બનાવી છે.

સણોસરાના ખેડૂતની જમીન હડપવાના કેસમાં બે ફાઇનાન્સર 3 દિવસના રિમાન્ડ પર
આ કૌભાંડની જ એક ઘટનામાં રાજકોટ નજીક આવેલા સણોસરા ગામના ખેડૂત લાલજીભાઇ ફાંગલિયાને વ્યાજે નાણાં આપી ખોરાણા ગામમાં આવેલી તેમની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવાનો ગુનો પ્રકાશમાં આવ્યો હતો. આ કેસમાં અલ્પેશના મદદગાર અને ફાઇનાન્સર તરીકે કામ કરતા બે આરોપીઓ જીતેન્દ્ર મનસુખ નસીત તથા હરેશ નાથાભાઇ અજાણીની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચે આ બંને ફાઇનાન્સરોને અદાલત સમક્ષ રજૂ કરીને તેમની ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી આ નાણાકીય લેવડદેવડમાં અન્ય કોની-કોની સંડોવણી હતી તે દિશામાં પણ તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *