GPSCની ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને અનામત વર્ગના ઉમેદવારોને ન્યાયી તક આપવાની માંગ સાથે સામાજિક ક્રાંતિ અભિયાન દ્વારા ધરણાં કરવામાં આવી રહ્યા છે. સંગઠનના જણાવ્યા મુજબ, છેલ્લા 23 દિવસથી આંદોલનકારીઓ ધરણા પર બેઠા છે અને GPSCના ચેરમેન હસમુખ પટેલને પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યા છે.
અગાઉના મીડિયા અહેવાલોમાં પણ GPSCની ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને કેટલાક ઉમેદવારોને અન્યાય થવાના આક્ષેપો સાથે ગાંધીનગરમાં આંદોલન શરૂૂ થયાનો ઉલ્લેખ થયો છે.
દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ગાંધીનગરમાં ચાલી રહેલી ધરણાની છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અનામત, દલિત અને આદિવાસી સમાજના પ્રશ્નોનો ઉલ્લેખ કરતાં સરકાર અને વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. વાઘેલાએ કહ્યું હતું કે દલિત સમાજ વરઘોડો કાઢે કે મૂછ રાખે ત્યારે પણ વિરોધનો સામનો કરવો પડે છે અને SC-ST સમાજના પ્રશ્નોને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી.
વાઘેલાએ GPSCના મુદ્દે કહ્યું હતું કે, જો સામાજિક ક્રાંતિ અભિયાન દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાચા હોય તો સંબંધિત અધિકારીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ. તેમણે હસમુખ પટેલને પણ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની માંગ કરી હતી. વાઘેલાએ પોતાના સંબોધનમાં સરકારી પદ પર બેઠેલા અધિકારીઓએ જવાબદારી અને વ્યવહારને સમજવાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો હતો. વાઘેલાએ વધુમાં દલિત અને આદિવાસી સમાજની સામાજિક સ્થિતિનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, અનેક સમાજોને આજે પણ મૂળભૂત અધિકારો અને સમાન વ્યવહાર માટે સંઘર્ષ કરવો પડે છે. તેમણે આદિવાસી સમાજના જંગલ અને જમીન સાથે જોડાયેલા અધિકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
નોંધનીય છે કે, GPSCમાં તાજેતરમાં સાત નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
એક અહેવાલ મુજબ, 28 સપ્ટેમ્બરે જાહેર થયેલા આદેશ બાદ GPSCમાં ચેરમેન સહિત કુલ નવ સભ્યોનું માળખું બન્યું છે. જોકે, નવા સભ્યોની નિમણૂક બાદ પણ સામાજિક ક્રાંતિ અભિયાનની મુખ્ય માંગ હસમુખ પટેલને પદ પરથી દૂર કરવાની અને ભરતી પ્રક્રિયાની સ્વતંત્ર તપાસ કરવાની યથાવત હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
