દાહોદ શહેર અને રાજ્યના વન્યજીવ ઈતિહાસમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. વિવિધ પ્રજાતિના વન્યજીવોના રેસ્ક્યુ માટે કાર્યરત પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ સંસ્થાએ તેમના સ્થાપના દિવસ 4 ઓક્ટોબરે દાહોદ વન વિભાગના સહયોગથી અત્યંત દુર્લભ બે મોઢાવાળા Wolf Snake એટલે કે વરુદંતી સર્પનું સફળ રેસ્ક્યુ કર્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે, દાહોદ અને સંભવિતપણે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ પ્રકારના બે સ્વતંત્ર મોઢા ધરાવતા વુલ્ફ સ્નેકનું રેસ્ક્યુ પ્રથમ વખત જ નોંધાયું છે.
સામાન્ય રીતે વુલ્ફ સ્નેક એટલે કે વરુદંતી સર્પ બિન-ઝેરી પ્રજાતિનો સાપ છે, જે માનવજાત માટે બિલકુલ હાનિકારક હોતો નથી. મકાન તથા માનવ વસાહતોની આસપાસ જોવા મળતી ગરોળીઓ, જંતુઓ અને નાના જીવો તેનો મુખ્ય ખોરાક હોય છે.
આ અનોખા સાપ વિશે વધુ વિગતો આપતા નિષ્ણાતોએ જણાવ્યું કે, આ સાપના બંને મોઢા પોતાના સ્વતંત્ર મગજ અને ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ) ધરાવે છે. આ જ કારણોસર ખોરાક મેળવતી વખતે કે દિશા નક્કી કરતી વખતે બંને મોઢા અલગ-અલગ અને સ્વતંત્ર પ્રયાસો કરતા જોવા મળે છે. ક્યારેક શિકાર ગળતી વખતે સાપના પોતાના બંને માથા વચ્ચે જ સ્પર્ધા થાય છે.
નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું કે, તો બીજી તરફ કુદરતી શિકારીઓથી બચતી વખતે યોગ્ય દિશા નક્કી ન થવાથી મુશ્કેલી ઊભી થાય છે. પરિણામે, કુદરતી વાતાવરણમાં બે મોઢા ધરાવતા જીવો માટે લાંબો સમય જીવિત રહેવું ખૂબ જ કઠિન સાબિત થાય છે.
