અમદાવાદના તબીબો રાત્રિ OPDમાં દરરોજ પેનિક જેવા લક્ષણો ધરાવતા સરેરાશ ત્રણથી ચાર દર્દીઓને સારવાર આપતા હોવાનું સામે આવ્યું છે. દર્દીઓ મોડી રાત્રે અચાનક શ્વાસ ચડવો, ધબકારા ઝડપી થઈ જવા, છાતીમાં અસ્વસ્થતા, પરસેવો વળવો અને કંઈક ગંભીર બનવાનું છે તેવો તીવ્ર ભય અનુભવવાની ફરિયાદો લઈને આવે છે. આ લક્ષણો એટલા ડરામણા હોય છે કે દર્દીઓ અને તેમના પરિવારજનો તેને હાર્ટ એટેક સમજીને ગભરાઈ જાય છે.
અમદાવાદના જનરલ ફિઝિશિયન ડો. વિપુલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેઓ રાત્રિ OPDમાં દરરોજ પેનિક જેવા લક્ષણો ધરાવતા 3 થી 4 દર્દીઓને જુએ છે. દર્દીઓ અચાનક શ્વાસ રોકાઈ જવો, ધબકારા વધી જવા અથવા છાતીમાં અસ્વસ્થતાની ફરિયાદ સાથે આવે છે, પરંતુ આ લક્ષણો અન્ય શારીરિક સમસ્યાઓના પણ હોઈ શકે છે તેથી દર્દીઓએ તેને માત્ર પેનિક એટેક ન ગણવો જોઈએ અને પહેલા તબીબી તપાસ કરાવવી જોઈએ.
આઇટી ક્ષેત્રમાં કામ કરતા એક 29 વર્ષીય યુવકે જણાવ્યું હતું કે લેપટોપ પર મોડી રાત સુધી કામ કરતી વખતે તેને અચાનક શ્વાસ ચડવા લાગ્યો હતો અને પરસેવો વળી ગયો હતો, જેથી તેને લાગ્યું કે હૃદયમાં કોઈ ગંભીર તકલીફ થઈ છે, પરંતુ બાદમાં તે તણાવ અને એન્ઝાયટીના લક્ષણો હોવાનું બહાર આવ્યું હતું. આવી જ રીતે એક 34 વર્ષીય ક્વોલિટી એનાલિસ્ટે જણાવ્યું હતું કે ઊંઘનો અભાવ અને સતત ચિંતા તેમની દિનચર્યાનો ભાગ બની ગઈ છે અને લેપટોપ બંધ કર્યા પછી પણ કામ અને અન્ય સમસ્યાઓના વિચારો ચાલુ રહે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના વર્ષ 2024-25 ના વાર્ષિક અહેવાલ અનુસાર, ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ માનસિક સ્વાસ્થ્ય OPD માં એપ્રિલ અને જૂન 2024 વચ્ચે 33.89 લાખ દર્દીઓ નોંધાયા હતા, જે જાન્યુઆરી અને માર્ચ 2025 વચ્ચે વધીને 40.27 લાખ થયા હતા. તે સિવાય ઠઇંઘના 2025 ના અહેવાલ મુજબ, 2023 માં વિશ્વભરમાં 47 કરોડ લોકો એન્ઝાયટી ડિસઓર્ડરથી પીડાતા હતા. જોકે, તબીબો સલાહ આપે છે કે શ્વાસ ચડવો કે છાતીમાં દુખાવો થવા જેવા નવા કે ગંભીર લક્ષણોને હંમેશા એન્ઝાયટી ન ગણવી જોઈએ અને પ્રથમ તબીબી તપાસ કરાવવી અનિવાર્ય છે.
