‘મેલુ ઉપાડવાના’ નિવેદન મામલે બાપુ સામે અમરેલીમાં ફરિયાદ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના એક વિવાદાસ્પદ નિવેદનને લઈને અમરેલીમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ચોક્કસ જ્ઞાતિના લોકો અંગે કરવામાં આવેલા નિવેદનથી ખેડૂતોમાં રોષ ફેલાયો…

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના એક વિવાદાસ્પદ નિવેદનને લઈને અમરેલીમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ચોક્કસ જ્ઞાતિના લોકો અંગે કરવામાં આવેલા નિવેદનથી ખેડૂતોમાં રોષ ફેલાયો હોવાના અહેવાલો વચ્ચે માંગવાપાળ ગામના એક ખેડૂતે અમરેલી પોલીસને ઈ-મેલ મારફતે લેખિત અરજી કરી છે. ફરિયાદમાં શંકરસિંહ વાઘેલા સામે કાયદાકીય કાર્યવાહી કરવા અને ગુનો નોંધવાની માગ કરવામાં આવી છે. સમગ્ર મામલો નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આપવામાં આવેલા તેમના નિવેદન સાથે જોડાયેલો હોવાનું જણાવાયું છે. અમરેલીના જિલ્લા પોલીસ વડાએ અરજી મળ્યાની પુષ્ટિ કરી તપાસ બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે તેમ જણાવ્યું છે.

વિવાદનું કેન્દ્ર શંકરસિંહ વાઘેલાનું ’મેલું ઉપાડવા’ અંગેનું નિવેદન છે. સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થયેલી એક પોસ્ટમાં તેમના નિવેદનને ટાંકીને જણાવાયું હતું કે પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમુદાયના લોકો હાથથી મેલું ઉપાડવાનું કામ કરે તો તેમને 50 હજાર રૂૂપિયા આપવામાં આવશે. આ નિવેદન સામે કેટલાક લોકોમાં નારાજગી જોવા મળી છે. ખાસ કરીને માંગવાપાળના ખેડૂત અરવિંદભાઈ બાલુભાઈ કાછડિયાએ આ મામલે પોલીસનો સંપર્ક કરીને નિવેદન અંગે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે.

ફરિયાદી અરવિંદભાઈ બાલુભાઈ કાછડિયાએ પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે ફેસબુક પર પ્રસિદ્ધ થયેલી એક સમાચાર પોસ્ટમાં શંકરસિંહ વાઘેલાનો ફોટો હતો અને તેમાં સવર્ણ જ્ઞાતિઓના લોકો આદિવાસીઓનું મેલું ઉપાડે તો 50 હજાર રૂૂપિયા આપવાની વાત કરવામાં આવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે માથે મેલું ઉપાડવા પર પ્રતિબંધ હોવા છતાં ચોક્કસ જ્ઞાતિઓને રૂૂપિયા આપવાની વાત કરવી કાયદાનો ભંગ હોઈ શકે છે. આ કારણોસર શંકરસિંહ વાઘેલા સામે ગુનો નોંધવા માટે રજૂઆત કરવામાં આવી છે. જોકે, ફરિયાદમાં કરાયેલા આક્ષેપો અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાતે જણાવ્યું છે કે પોલીસને આ મામલે ઈ-મેલ મારફતે ફરિયાદ અરજી મળી છે. તેમણે જણાવ્યું કે ઘટના નર્મદા જિલ્લાના સાગબારા ખાતે બની હોવાનું સામે આવ્યું છે. શહેર પોલીસ ઈન્સ્પેક્ટર પાસેથી અરજીની કોપી મંગાવીને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન નિવેદનનો મૂળ સંદર્ભ, સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થયેલી સામગ્રી અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની ચકાસણી કરવામાં આવશે. તપાસના આધારે કાયદાકીય કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.

વિવાદ વચ્ચે શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવેદન અંગે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે. તેમણે અનામતનો વિરોધ કરનારાઓને સવાલ કરતા પૂછ્યું કે શું તેઓ અથવા તેમના બાળકો તે કામ કરવા તૈયાર છે જેના સંદર્ભમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શું તેઓ 50 હજાર રૂૂપિયામાં હાથથી સફાઈ કરવાનું કામ કરશે? વાઘેલાએ વધુમાં જણાવ્યું કે તેમનો મુદ્દો માત્ર એક સમુદાય પૂરતો મર્યાદિત નથી અને તેઓ મહિલાઓ, ઓબીસી, એસસી અને એસટી માટેની તમામ પ્રકારની અનામતના પક્ષમાં છે. હવે પોલીસ તપાસમાં સમગ્ર નિવેદનનો સંદર્ભ અને ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની કાયદાકીય સ્થિતિ શું સામે આવે છે તેના પર સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *