શાપરમાં કારખાનામાં કરંટ લાગતા બે યુવાનના મોત

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પંથકમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શાપરથી રીબડા સાઇડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ અને રીબડા પાણીના ટાંકા વચ્ચેના કાચા રોડ…

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પંથકમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શાપરથી રીબડા સાઇડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ અને રીબડા પાણીના ટાંકા વચ્ચેના કાચા રોડ પર એક નિર્માણાધીન કારખાનામાં શેડનો ગેટ ફિટ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ક્રેન હાઈટેન્શન વીજલાઇનના સંપર્કમાં આવી જતાં કરંટ લાગવાથી બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.જ્યારે ક્રેનચાલકનો આબાદ બચાવ થયો છે. આ અચાનક બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 1 ઓક્ટોમ્બર 2026 ગુરૂૂવારે સાંજે પોણા છ વાગ્યાના આસપાસ હિતેશભાઈના નિર્માણાધીન કારખાનામાં રીબડાની ‘શિવ ક્રેન’ ની મદદથી ગેટ ફિટ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન ઉપરથી પસાર થતી જીવલેણ હાઈટેન્શન વીજલાઇન ક્રેન અથવા ગેટના સંપર્કમાં આવી ગઈ હતી, જેના કારણે ભારે વીજશોક લાગતા બંને વ્યક્તિઓ ગંભીર રીતે ઝપેટમાં આવી ગયા હતા અને સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર હિરેનભાઈ અરવિંદભાઈ રાઠોડ ઉ.વ. 35, રહે. કોઠારીયા (રાજકોટ) દિપેશભાઈ હરિભાઈ હરસોડા ઉ.વ.38 રહે. કોઠારીયા (રાજકોટ) નું મોત નીપજ્યું છે. મૃતક હિરેનભાઈ તેમની માતાના એકના એક દીકરા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેમના અકાળ અવસાનથી માતા પર દુ:ખનો મોટો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે દિપેશભાઈના પરિવારમાં માતા, પિતા અને પત્ની છે, જેમના અચાનક ચાલ્યા જવાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

ઘટનાની જાણ થતા જ શાપર-વેરાવળ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે શાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. હાલ પોલીસે આ મામલે લઈને અકસ્માતે આગળની કાયદેસરની તજવીજ અને તપાસ હાથ ધરી છે. નિર્માણાધીન સાઇટ પર સલામતીના પૂરતા પગલાં લેવાયા હતા કે કેમ તે દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *