સ્વચ્છતા માટે રાજકોટ બનશે મોડેલ સિટી, દેશના 50 શહેરોમાં સમાવેશ

રાજકોટ શહેર માટે ગૌરવની બાબત છે કે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી સ્વચ્છતા ક્ષેત્રે વધુ સારી કામગીરી તથા વિકાસની સંભાવના ધરાવતા પસંદગીના 50 શહેરોની PRAGATI-50…

રાજકોટ શહેર માટે ગૌરવની બાબત છે કે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી સ્વચ્છતા ક્ષેત્રે વધુ સારી કામગીરી તથા વિકાસની સંભાવના ધરાવતા પસંદગીના 50 શહેરોની PRAGATI-50 પહેલમાં રાજકોટ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત રાજકોટ શહેરને સ્વચ્છતા ક્ષેત્રે મોડેલ સિટી તરીકે વિકસાવવામાં આવશે, તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સેનિટેશન સમિતિ ચેરમેન કિર્તીબા રાણાએ સંયુક્ત યાદીમાં જણાવેલ.

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના માનનીય મંત્રી મનોહર લાલ દ્વારા તા. 29 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હી ખાતે PRAGATI-50 પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલ હેઠળ દેશના 24 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના 50 શહેરોને સ્વચ્છતા ક્ષેત્રે રોલ મોડેલ શહેર તરીકે વિકસાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.PRAGATI-50 હેઠળ પસંદ કરાયેલા શહેરોમાં નિયમિત સ્વચ્છતા કામગીરીથી આગળ વધીને સતત, દેખીતી અને ઉચ્ચ ગુણવત્તાની સ્વચ્છતા વ્યવસ્થા સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવશે. શહેરોમાં સ્વચ્છતા વ્યવસ્થાના પરિણામોને નિર્ધારિત માપદંડો અને ટેકનોલોજી આધારિત મોનિટરિંગના માધ્યમથી સતત ચકાસવામાં આવશે.

રાજકોટ શહેરમાં સ્વચ્છતા અંગેની દૈનિક કામગીરીનું વધુ સુવ્યવસ્થિત રીતે મોનિટરિંગ કરવામાં આવશે તથા કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ જરૂૂરી સુધારાઓ અને નવીન પહેલોને ગતિ આપવામાં આવશે.

લોકભાગીદારો સાથે લાંબાગાળાનું વિઝન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PRAGATI-50 હેઠળ મળેલી આ તકને સ્વીકારી શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં સંકલિત પ્રયાસો કરવામાં આવશે. સ્વચ્છ રાજકોટ સ્વસ્થ રાજકોટના સંકલ્પને વધુ વ્યાપક બનાવતા શહેરના દરેક નાગરિક, વેપારી, સંસ્થા, શાળા-કોલેજ, ઔદ્યોગિક એકમ તથા વિવિધ સામાજિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી સાથે રાજકોટને સ્વચ્છતા ક્ષેત્રે એક મોડેલ સિટી તરીકે વિકસાવવાનો સંકલ્પ કરવામાં આવશે. PRAGATI-50 હેઠળ રાજકોટ શહેરનો સમાવેશ સમગ્ર રાજકોટવાસીઓ માટે ગૌરવની બાબત છે અને સાથે સાથે શહેરને સ્વચ્છતા ક્ષેત્રે નવી ઊંચાઈઓ સુધી લઈ જવાની એક મહત્વપૂર્ણ જવાબદારી પણ છે.

 

PRAGATI-50 અંતર્ગત રાજકોટ શહેરમાં નીચેના ક્ષેત્રોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે:

1. કચરામુક્ત શહેર તરફ વધુ મજબૂત પગલાં: શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો એકત્ર કરવાની, પરિવહન કરવાની તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રક્રિયા કરવાની સમગ્ર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં આવશે.
2. ઘન કચરાનો વૈજ્ઞાનિક સંચાલન: સોર્સ સેગ્રેગેશન, કચરાનું પ્રોસેસિંગ, રિસાયક્લિંગ, રિસોર્સ રિકવરી તથા કચરામાંથી ઉપયોગી સંસાધનોના પુન:પ્રાપ્તિ પર ભાર મૂકવામાં આવશે.
3. વપરાયેલા પાણીનું વ્યવસ્થાપન: Used Water Management અંતર્ગત ગંદા પાણીના યોગ્ય સંચાલન, ટ્રીટમેન્ટ અને પુન:ઉપયોગની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.
4. દેખીતી સ્વચ્છતા: મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, બજારો, રહેણાંક વિસ્તારો, જાહેર સંકુલો તથા અન્ય સ્થળોએ સતત અને અસરકારક સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કામગીરીનું વધુ સઘન મોનિટરિંગ કરવામાં આવશે.
5. સેનિટેશન વ્યવસ્થા: શહેરની સેનિટેશન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવી સ્વચ્છ અને આરોગ્યપ્રદ શહેરી વાતાવરણ ઊભું કરવા કામગીરી કરવામાં આવશે.
6. સર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન: કચરાને માત્ર નિકાલની વસ્તુ તરીકે નહીં પરંતુ ઉપયોગી સંસાધન તરીકે જોવાની દિશામાં રિયૂઝ, રિસાયક્લિંગ, રિસોર્સ રિકવરી અને Waste-to-Wealth જેવી પહેલોને પ્રોત્સાહન આપવામાં આવશે.
7. ટેકનોલોજી આધારિત મોનિટરિંગ: નવી ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમોના ઉપયોગથી સ્વચ્છતા કામગીરીનું દૈનિક મોનિટરિંગ, કામગીરીની સમીક્ષા તથા જરૂૂરી સ્થળે ઝડપી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.
8. નાગરિકોની ભાગીદારી: સ્વચ્છતા માત્ર મહાનગરપાલિકાની જવાબદારી નહીં પરંતુ નાગરિકોની સહભાગિતાથી સફળ બનતું જનઆંદોલન છે. તેથી નાગરિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ જનજાગૃતિ તથા ભાગીદારી આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *