અમદાવાદના દરિયાપુર-કાજીપુર વિસ્તારના કેસમાં તા.16મી સુધીમાં જવાબ આપવા આદેશ
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. અરજીમાં આક્ષેપ છે કે મિલકત નોટિફાઈડ ડિસ્ટર્બ્ડ એરિયામાં કે તેની 500 મીટરની સીમામાં નથી, છતાં જિલ્લા અધિકારીઓએ હિંદુઓ દ્વારા મુસ્લિમ ખરીદનારને વેચાણ માટે અગાઉની પરવાનગી માગી છે. કેસ દરિયાપુર-કાજીપુર વિસ્તારની 387 ચોરસ ફૂટની વ્યાવસાયિક મિલકતનો છે. માલિકો ભરત પંચાલ અને તેમના ભાઈ પ્રફુલ પંચાલ આ મિલકત સલીમ મકવાનાને રૂૂ. 40 લાખમાં વેચવા માંગે છે. પંચાલ બંધુઓએ આ મિલકત 2007માં એક મુસ્લિમ પાસેથી ખરીદી હતી. ત્યારે મિલકત ડિસ્ટર્બ્ડ એરિયામાં ન હોવાથી અગાઉની પરવાનગીની જરૂૂર નહોતી.
2023માં રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું કે આવા વ્યવહારમાં સંબંધિત પક્ષોએ મહેસૂલ અધિકારી પાસેથી પ્રમાણપત્ર મેળવવું પડશે કે મિલકત ગુજરાત ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ હેઠળ નોટિફાઈડ વિસ્તારની 500 મીટરની સીમામાં નથી. આ બફર ઝોનમાં પણ સરકારી પરવાનગી વગર મિલકતનું વેચાણ પ્રતિબંધિત છે. આ નોટિફિકેશન બાદ પક્ષોએ 2 જાન્યુઆરીએ આસારવા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે પ્રમાણપત્ર માટે અરજી કરી. મામલતદારે તલાટી-કમ-મંત્રી પાસેથી અહેવાલ મંગાવ્યો. 13 જાન્યુઆરીએ તલાટીએ અહેવાલ આપ્યો કે મિલકત પ્રતિબંધિત બફર ઝોનમાં નથી. તેમ છતાં ઉમેર્યું કે ખરીદનાર અને વેચનાર જુદી જાતિના હોવાથી સિટી ડેપ્યુટી કલેક્ટર પૂર્વની પરવાનગી જરૂૂરી છે.20 જાન્યુઆરીએ મામલતદારે આ જ વાત પ્રમાણપત્રમાં ફરી કહી અને જણાવ્યું કે જુદી જાતિ વચ્ચેનો વ્યવહાર હોવાથી તેઓ પરવાનગી આપી શકે નહીં, તેથી અરજી ફાઈલ કરવામાં આવે છે. આ ટિપ્પણીને ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ હેઠળ વ્યવહારિક પ્રતિબંધ ગણીને પક્ષોએ વકીલ આફતાબ અનસારી મારફત હાઈકોર્ટનો સંપર્ક કર્યો.
અરજદારોએ દલીલ કરી કે તલાટીની ટિપ્પણી હકીકતમાં ખોટી છે, અધિકારક્ષેત્ર બહારની છે અને કાયદાની જોગવાઈઓ પર આધારિત નથી. મામલતદારે માત્ર એટલું જ તપાસવાનું હતું કે મિલકત નોટિફાઈડ વિસ્તારમાં કે તેની 500 મીટરની સીમામાં આવે છે કે નહીં. તેમણે મામલતદારનો અભિપ્રાય રદ કરવા અને રજિસ્ટ્રેશન અધિકારીઓને આ અભિપ્રાયના આધારે નોંધણીમાં અડચણ ન ઊભી કરવા નિર્દેશ આપવા માંગ કરી છે. પ્રાથમિક સુનાવણી બાદ જસ્ટિસ નિશા ઠાકોરે સરકારી વકીલને પૂછ્યું કે આવું પ્રમાણપત્ર આપવાની સક્ષમ સત્તા કોણ છે. કોર્ટે નોંધ્યું કે 2 ઑગસ્ટ 2023ના નોટિફિકેશન છતાં અરજદારોને સિટી ડેપ્યુટી કલેક્ટર પૂર્વ પાસેથી પરવાનગી મેળવવાનું કહેવામાં આવ્યું છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે અને 16 ઑક્ટોબર સુધી જવાબ માંગ્યો છે.
