ઝારખંડના જમશેદપુરમાં કેનરા બેંકની શાખામાં દિવસે-દહાડે મોટી લૂંટની ઘટના સામે આવી છે, જેમાં લૂંટારુઓ માત્ર 24 મિનિટમાં અંદાજે 23 કિલો સોનું અને ₹43 લાખ રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના પ્રકાશમાં આવતા જ ચકચાર મચી ગઈ હતી. આ લૂંટની તપાસ માટે 20 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લામાં આવેલી કેનરા બેંકની ગોલમુરી શાખામાં બંદૂકની અણીએ ₹43 લાખ રોકડ અને સોનાની લૂંટ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે રેઈનકોટ પહેરેલા પાંચ યુવકો બેંકમાં ઘૂસ્યા, સ્ટાફ અને ગ્રાહકોને બંધક બનાવ્યા અને ત્યારબાદ રોકડ તથા સોનું લઈને ભાગી ગયા.
આ ઘટનાનો CCTV માં કેદ થયેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે ગુનો આચર્યા બાદ લૂંટારુઓ બે મોટરસાઇકલ પર ફરાર થઈ ગયા હતા. પોલીસ અધિક્ષક (ગ્રામીણ) શુભમ કુમાર ખંડેલવાલે કહ્યું, અમે CCTV ફૂટેજની તપાસ કરી છે અને લૂંટારુઓ અંગે કેટલીક કડીઓ મેળવી છે. તેમણે જણાવ્યું કે લૂંટારુઓને પકડવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું છે અને નજીકના પોલીસ સ્ટેશનોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
