પિતાની હયાતીમાં પૌત્ર દાદાની મિલ્કતમાં હિસ્સો ન માંગી શકે: HC

ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પિતાના મૃત્યુ પછી પુત્રોને મળેલી મિલકત તેમની પોતાની મિલકત બને છે. પિતા જીવતા હોય ત્યારે પૌત્ર તેમાં વહેંચણી માંગી…

ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પિતાના મૃત્યુ પછી પુત્રોને મળેલી મિલકત તેમની પોતાની મિલકત બને છે. પિતા જીવતા હોય ત્યારે પૌત્ર તેમાં વહેંચણી માંગી શકે નહીં. ન્યાયમૂર્તિ મૌલિક શેલટે નાના પૌત્રની માતા દ્વારા દાખલ કરેલો દાવો રદ કરતાં આ અવલોકન કર્યું. નીચલી અદાલતે આ દાવો ફગાવવાની અરજી નકારી હતી, તે આદેશ હાઈકોર્ટે રદ કર્યો.

પૌત્રે દાદાની મિલકતમાં હિસ્સો માંગ્યો હતો. દાદાનું 1981માં અવસાન થયું હતું. કોર્ટે કહ્યું કે આ મિલકત વર્ગ-1 વારસદાર તરીકે પુત્રોને મળી અને તે સંયુક્ત કુટુંબની મિલકત ન રહી, પણ દરેક પુત્રની અલગ મિલકત બની.
કોર્ટે નોંધ્યું કે પરિવારની જૂની એચયુએફ મિલકતની વહેંચણી માર્ચ 1979ના રજિસ્ટર્ડ દસ્તાવેજથી થઈ ચૂકી હતી. પૌત્રનો જન્મ એપ્રિલ 1995માં થયો હતો, એટલે વહેંચણી તેના જન્મ પહેલાં થઈ ગઈ હતી. ત્યારબાદ 1990 અને 1996માં પરિવારની વધુ વહેંચણી થઈ અને મિલકત પુત્રો તથા માતાને વહેંચાઈ.

એકવાર પૌત્રના પિતાને તેમનો હિસ્સો મળી ગયા પછી તે મિલકત તેમની એકલી મિલકત બની. તેથી પિતાને અન્ય સગાં સાથે સમાધાન કે સંમતિ આદેશ કરવાનો પૂરો અધિકાર છે. કોર્ટે કહ્યું કે સ્પષ્ટ દાવો અને પુરાવા વગર કોઈ મિલકતને સંયુક્ત કુટુંબની માની શકાય નહીં. પિતા જીવતા હોય ત્યાં સુધી પૌત્રને કોર્ટમાં જવાનું કારણ જ નથી. તેથી આ દાવો કાયદેસર ટકી શકે નહીં અને અરજી રદ થવી જોઈએ, એવું હાઈકોર્ટે ઠરાવ્યું.
નાના પૌત્રનો દાવો એ હતો કે સંમતિની વહેંચણી તેના હિતમાં નથી અને દાદા પાસેથી મળેલી મિલકતમાં તેને અલગ હિસ્સો મળવો જોઈએ. કોર્ટે આ દલીલ સ્વીકારી નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *