સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલ ખાખરાથળ ગામેથી માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા એક બોગસ ડોક્ટરને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે તેની કલીનીક માંથી એલોપેથિક દવાઓ સહિત રૂૂ. 25,787નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જના આઈજીએ નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં મેડિકલ લાયકાત કે ડિગ્રી વગર માત્ર આર્થિક લાભ ખાતર દર્દીઓના જીવ જોખમમાં મુકતા બોગસ ડોક્ટરો વિરૂૂદ્ધ કડક ઝુંબેશ ચલાવવાની ખાસ સૂચના આપવામાં આવી હતી. જેને પગલે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, સી.એમ.કાંટેલીયા, એ.વાય.ઉધાસ તથા તેમની ટીમે માનવસોર્સ અને બાતમીદારોના આધારે ચોક્કસ માહિતી એકત્ર કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, થાનગઢના ખાખરાથળ ગામે પ્રાથમિક શાળા પાસે આવેલી એક ક્લિનિકમાં એક શખ્સ કોઈ પણ અધિકૃત મેડિકલ ડિગ્રી વગર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી સારવાર કરી રહ્યો હતો. આ બાતમીના આધારે રેન્જ સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઇ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, દિલીપસિંહ સિંધવ અને રાજુભાઇ પઢેરીયા સહિતની ટીમે ક્લિનિક પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન ક્લિનિક ચલાવતો આરોપી મેહુલ દેવરાજભાઇ પઢેરીયા (રહે. 60 ફુટ રોડ, કંસારા બોર્ડીંગ સામે, પરસોત્તમપાર્ક, સુરેન્દ્રનગર; મૂળ રહે. ગામ-સમઢીયાળા, તા. ચુડા) મેડિકલ પ્રેક્ટિસ અંગેનું કોઈ માન્ય પ્રમાણપત્ર રજૂ કરી શક્યો ન હતો. આથી પોલીસે સ્થળ પરથી રૂૂ. 25,787ની કિંમતનો એલોપેથી દવાનો જથ્થો જપ્ત કરી આરોપીની અટકાયત કરી હતી.
