ખંભાળિયા નજીક બે મોટરકાર વચ્ચે અકસ્માત યુવતીનું મૃત્યુ: માતા-પિતાને ગંભીર ઈજા

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગત તારીખ 12 ના રોજ બે મોટરકાર વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કેશોદ ગામની એક યુવતીનું મૃત્યુ નિપજ્યું…

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગત તારીખ 12 ના રોજ બે મોટરકાર વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કેશોદ ગામની એક યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેણીના માતા-પિતાને ગંભીર ઈજાઓ સાથે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા રામદેભાઈ આંબલીયાની 26 વર્ષની પુત્રી ભાવનાબેનની સગાઈ થઈ ગયેલ હોય, તેણીના લગ્નના સામાનની ખરીદી કરવા માટે રામદેભાઈ, તેમના ધર્મ પત્ની હીરીબેન, પુત્રી ભાવનાબેન તેમજ પુત્ર રવિ એમ ચાર વ્યક્તિઓ તેમની મારુતિ અલ્ટો નંબર જી.જે. 37 બી 2184 માં બેસીને ગત તારીખ 12 સપ્ટેમ્બરના રોજ કેશોદ ગામેથી ભાણવડ ખાતે જઈ રહ્યા હતા. આ મોટરકાર રામદેભાઈનો પુત્ર રવિ આંબલીયા (ઉ.વ. 23) ચલાવી રહ્યો હતો. સવારના આશરે નવ વાગ્યાના સમયે ખંભાળિયા-ભાણવડ માર્ગ પર અત્રેથી આશરે 12 કિલોમીટર દૂર લલીયા ગામના પાટીયા નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 09 બી.પી. 7778 નંબરની એક સ્વીફ્ટ મોટરકારના ચાલકે રવિભાઈ આંબલીયાની અલ્ટો મોટરકાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ ગંભીર અકસ્માતમાં કાર ચાલક રવિને સામાન્ય ઈજાઓ થતા ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે તેના પિતા રામદેભાઈ, માતા હીરીબેન અને બહેન ભાવનાબેનને વધુ સારવાર અર્થે જામનગર બાદ રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન ભાવનાબેનને ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ, જ્યાં મંગળવાર તા. 22 ના રોજ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે રવિ રામદેભાઈ આંબલીયાની ફરિયાદ પરથી સ્વિફ્ટ મોટરકારના ચાલક સામે બી.એન.એસ. તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *