જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે પત્રકાર મિલન યોજી શહેરની પાણીની સ્થિતિ, સફાઈ વ્યવસ્થા, કચરા એકત્રીકરણ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા કમિશનર દીપેશ કેડિયાએ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે અપેક્ષા મુજબ વરસાદ નહીં પડ્યો હોવાથી પાણીનો બગાડ ટાળવા અને જરૂૂરિયાત પૂરતું જ પાણી વાપરવા શહેરીજનોને અપીલ કરી હતી.મ્યુનિ. કમિશનર દીપેશ કેડિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા તથા કચરા એકત્રીકરણ અને સફાઈ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી આવનારા સમયમાં પાણીના જથ્થા અને વિતરણને લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરીજનો રોજિંદા વપરાશમાં પાણીનો બગાડ નહીં કરે અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે તે જરૂૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. પત્રકાર મિલનમાં શહેરની સફાઈ વ્યવસ્થા તથા ગાર્બેજ કલેક્શન અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
સફાઈ સંબંધિત પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત આગામી સમયમાં જામનગરમાં સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવનાર હોવાનું કમિશનરે જણાવ્યું હતું. આ કાર્યક્રમોમાં શહેરીજનો મોટી સંખ્યામાં ભાગ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. પત્રકાર મિલનમાં ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા તથા સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
