બોટાદ જીલ્લાના ગઢડા ગોપીનાથજી મહારાજના મંદિર ખાતે પરિવર્તિની જળઝીલણી એકાદશીનો પવિત્ર અને ઐતિહાસિક મહિમા ધરાવતો સમૈયો આજે ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના સમયથી ચાલી આવતી જળઝીલણી સમૈયાની આ પરંપરાને આશરે બસો વર્ષથી વધુ સમયથી ગઢડા ધામમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ પાવન પ્રસંગે દેશ-દિશાંતરમાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો, સાધુ-સંતો તથા શ્રદ્ધાળુઓ ગઢડા ધામ ખાતે ઉમટી પડ્યા હતા. જળઝીલણી એકાદશીના પાવન અવસરે ગોપીનાથજી મહારાજ તથા ગણપતિ મહારાજની પાલખીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
મંદિર પરિસરમાં ભગવાનની સોળોપચારવિધિપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ સુવર્ણમય પાલખીમાં ભગવાનને બિરાજમાન કરી ઢોલ-નગારાં, વાજિંત્રો અને ભક્તિના જયઘોષ સાથે રાજમાર્ગ પરથી ઘેલા નદી તરફ લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર માર્ગ પર ભક્તોએ ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ઘેલા નદીના પવિત્ર તટે પહોંચ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક જળપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાનને નૌકાવિહાર કરાવવામાં આવ્યો હતો.
નદીના પવિત્ર જળમાં યોજાયેલા આ નૌકાવિહારના દિવ્ય દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે પાંચ આરતી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આરતી દરમિયાન ભક્તોએ જયઘોષ સાથે ભગવાનના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.જળઝીલણી એકાદશીના આ ઐતિહાસિક સમૈયામાં ગઢડા ઉપરાંત ગુજરાતના વિવિધ વિસ્તારો તથા દેશ-દિશાંતરમાંથી આવેલા હરિભક્તો જોડાયા હતા. જળઝીલણી એકાદશીના આ ભવ્ય સમૈયાથી સમગ્ર ગઢડા ધામ ‘જય સ્વામિનારાયણ’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું અને હજારો ભક્તોના હર્ષોલ્લાસ વચ્ચે પવિત્ર સમૈયાનું ભાવપૂર્વક સમાપન થયું હતું.
જલયાત્રા દરમિયાન ઘેલો નદીમાં નૌકા પલટી, સંતો અને ટ્રસ્ટીઓનો બચાવ
જળ ઝીલણી એકાદશીની ઉજવણીમાં ભગવાનને સ્નાન કરાવાય તે પહેલા સર્જાઇ દુર્ઘટના
ગઢડાના જાણીતા શ્રી ગોપીનાથજી દેવમંદિર દ્વારા 200 વર્ષથી વધુ જૂની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જલઝીલણી ઉત્સવનું આયોજન કરાયું હતું. ઘેલો નદીના કાંઠે ઠાકોરજીને જળ ઝીલાવવા માટે ખાસ નૌકા વિહારનું આયોજન કરાયું હતું. ઠાકોરજીની પૂજા કર્યા બાદ તેમને સજાવેલી હોડીમાં બેસાડવામાં આવ્યા હતા. આ નૌકા વિહારમાં સંતો સાથે મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક આગેવાનો પણ હોડીમાં બેઠા હતા. નદીના પાણીમાં નૌકા વિહાર દરમિયાન બે આરતી સંપન્ન થઈ હતી.જોકે, જ્યારે ત્રીજી આરતી ચાલી રહી હતી ત્યારે અચાનક હોડીનું સંતુલન ગુમાવી દીધું. થોડી જ વારમાં પ્રસાદીના ઠાકોરજી, સાથે બેઠેલા સંતો, ટ્રસ્ટીઓ અને તમામ આગેવાનો સાથે આખી હોડી ઘેલો નદીના પાણીમાં ડૂબી ગઈ હતી.આ ઘટનાને કારણે ઘેલો નદીના કાંઠે હાજર હજારો ભક્તો અને ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, પરિસ્થિતિ જોઈને નદી કાંઠે હાજર અન્ય સંતો, સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક આગેવાનો તરત જ નદીના પાણીમાં કૂદી પડ્યા હતા. તરવૈયાઓ અને આગેવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂૂ કરી અને ડૂબી રહેલા સંતો, ટ્રસ્ટીઓ અને આગેવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
