અંબાજીના ગબ્બરમાં ભારે વરસાદથી પ્રોટેકશન દિવાલ પડતા કિશોરનું મોત

યાત્રાધામ અંબાજીના ગબ્બર વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. સતત વરસાદના કારણે ગબ્બર વિસ્તારમાં આવેલી પ્રોટેક્શન દીવાલ અચાનક ધરાશાયી થતાં નજીકમાં ઊભેલા…

યાત્રાધામ અંબાજીના ગબ્બર વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. સતત વરસાદના કારણે ગબ્બર વિસ્તારમાં આવેલી પ્રોટેક્શન દીવાલ અચાનક ધરાશાયી થતાં નજીકમાં ઊભેલા 15 વર્ષીય કિશોરનું મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ, ગબ્બર વિસ્તારમાં રહેતો 15 વર્ષીય વિશાલ શંકરભાઈ ભરથરી નજીક આવેલી એક લારી પાસે ઊભો હતો. તે દરમિયાન ભારે વરસાદના કારણે નબળી પડેલી પ્રોટેક્શન દીવાલ અચાનક ધસી પડી હતી. દીવાલનો કાટમાળ લારી પર પડતાં લારી પણ દબાઈ ગઈ હતી અને વિશાલ કાટમાળની ચપેટમાં આવી ગયો હતો. દુર્ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ કાટમાળ હટાવી કિશોરને બહાર કાઢ્યો હતો. ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતક કિશોર ગબ્બર વિસ્તારનો રહેવાસી અને ભરથરી સમાજનો હોવાનું સામે આવ્યું છે. 15 વર્ષીય કિશોરના અચાનક મોતથી પરિવારજનો સહિત સમગ્ર ભરથરી સમાજમાં શોકનો માહોલ છે. ભારે વરસાદ દરમિયાન નબળી પડેલી દીવાલો અને અન્ય જોખમી બાંધકામોને લઈને આ ઘટના ચેતવણી સમાન બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *