રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં બેડી પોર્ટથી આયાતી કોલસાનું ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઇડિંગ, ગાંધીનગરના નવા ગંતવ્ય સ્થાન માટે પ્રથમ લોડિંગ કર્યું છે. આ સિદ્ધિ વર્તમાન માલવાહક ટ્રાફિક માટે નવા ગંતવ્યો વિકસાવવા અને રેલ માલ પરિવહનના વ્યાપને વિસ્તારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
રાજકોટ ડિવિઝનના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના સતત પ્રયાસોના પરિણામે 17 સપ્ટેમ્બર 2026ના રોજ બેડી પોર્ટથી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઇડિંગ, ગાંધીનગર માટે આયાતી કોલસાનું લોડિંગ કરવામાં આવ્યું હતું. આ ક્ધસાઇનમેન્ટમાં 59 BOXN વેગનમાં આયાતી કોલસો લોડ કરવામાં આવ્યો હતો. આ ખેપ આશરે 355 કિલોમીટરનું અંતર કાપશે અને તેનાથી રેલવેને આશરે ₹40 લાખની માલભાડા આવક પ્રાપ્ત થઈ છે. ડિવિઝન દ્વારા વર્તમાન માલવાહક ટ્રાફિક માટે નવા ગંતવ્યોની ઓળખ કરવા અને વધુને વધુ માલને રેલ પરિવહન તરફ આકર્ષિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા પ્રયાસોથી રેલવેની માલભાડાની આવકમાં વધારો થવાની સાથે-સાથે ઉદ્યોગોને સલામત, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ પરિવહન સુવિધા પૂરી પાડવામાં મદદ મળશે.
નવા ગંતવ્યો સુધી માલ લોડિંગ શરૂૂ થવાથી રેલવેના માલ પરિવહન નેટવર્કનો વિસ્તાર થાય છે અને ઉદ્યોગોને રેલ પરિવહન સાથે જોડવાની નવી તકો મળે છે. બેડી પોર્ટથી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઇડિંગ, ગાંધીનગર સુધી આયાતી કોલસાનું આ પ્રથમ લોડિંગ નવા ગંતવ્યના વિકાસનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. રાજકોટ ડિવિઝન ભવિષ્યમાં પણ માલ પરિવહનની નવી તકો વિકસાવવા માટે સતત પ્રયાસરત રહેશે. રાજકોટ ડિવિઝન દ્વારા વધુ ગંતવ્ય, વધુ તકો, વધુ સશક્ત રેલવેના ઉદ્દેશ્ય સાથે વર્તમાન માલવાહક ટ્રાફિક માટે નવા ગંતવ્યો વિકસાવવા અને વધુને વધુ માલને રેલ પરિવહન તરફ આકર્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આનાથી રેલ માલ પરિવહનના વિસ્તરણ સાથે રેલવેની માલભાડા આવકમાં વધારો કરવામાં પણ યોગદાન મળશે.
