ગીર વિસ્તારમાં સિંહ અને માનવ વચ્ચેના સહઅસ્તિત્વના આવા અનેક અદભુત દૃશ્યો જોવા મળે છે.આવો જ એક રોમાંચક અને કુદરત સાથેના સહઅસ્તિત્વનો વીડિયો હાલ સામે આવ્યો છે. ગીર અભયારણ્ય વિસ્તારમાં છોડવડીથી દલખાણીયા તરફ જતા માર્ગ પર એક વનરાજ રસ્તા પર વિચરણ કરતો જોવા મળ્યો હતો. એ જ સમયે સામેથી એક બાઈક ચાલક આવી પહોંચ્યો હતો.
રસ્તા પર અચાનક વનરાજને જોઈ બાઈક ચાલક અને સિંહની એકબીજા સામે નજર મળી હતી. થોડી જ ક્ષણો માટે સર્જાયેલું આ દૃશ્ય જાણે કુદરત અને માનવ વચ્ચેના મૌન સંવાદ જેવું લાગતું હતું. સિંહે બાઈક ચાલક તરફ નજર કરી અને પોતાનામાં મસ્ત બની આગળ વધતો રહ્યો. પ્રથમ બાઈક ચાલક પણ સાવચેતીપૂર્વક વનરાજ પાસેથી પસાર થઈ ગયો હતો. દરમિયાન પાછળથી અન્ય એક બાઈક ચાલક પણ ત્યાં આવી પહોંચ્યો હતો. સામે સિંહને જોઈ તેણે બાઈક રોકી દીધી હતી. બાઈક ચાલુ ન થતાં તે વનરાજ તરફ જોતો રહ્યો હતો. બીજી તરફ વનરાજે પણ બાઈક ચાલક તરફ નજર કરી, પરંતુ કોઈ આક્રમકતા દર્શાવ્યા વિના પોતાની જ મસ્તીમાં આગળ વધ્યો હતો.
