ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ વ્યાપક હેત વરસાવ્યો છે.છેલ્લા 24 કલાકમાં કુલ 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે, જ્યારે કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે.
આ 24 કલાક દરમિયાન મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં સૌથી વધુ 131 મીમી એટલે કે 5.16 ઈંચ વરસાદ ખાબક્યો છે.જ્યારે બનાસકાંઠાના દાંતા તાલુકામાં 91 મીમી એટલે કે 3.58 ઈંચ,પાટણના શંખેશ્વરમાં 85 મીમી એટલે કે 3.35 ઈંચ, અને દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળમાં 71 મીમી એટલે કે 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત મહેસાણાના બેચરાજીમાં 65 મીમી,બનાસકાંઠાના અમીરગઢમાં 63 મીમી,અને ખેડાના મહેમદાબાદમાં 58 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી અનેક તાલુકાઓમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે.
