ભાવનગર જિલ્લાના પ્રખ્યાત તીર્થસ્થળ અને દરિયાકાંઠે બિરાજમાન નિષ્કલંક મહાદેવના સનિધ્યમાં ઋષિ પાંચમના પર્વ નિમિત્તે શ્રદ્ધા અને આસ્થાનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લા ઉપરાંત ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કોળિયાક ખાતે ઉમટી પડ્યા હતા અને પવિત્ર સમુદ્રસ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
ધાર્મિક પરંપરાઓ અનુસાર ઋષિ પાંચમના દિવસે દરિયાઈ સ્નાન કરવાનું અનેચું મહાત્મ્ય રહેલું છે. આ પર્વ અજાણતા કે જાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મેળવવાનો અવસર માનવામાં આવે છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, અજાણતાં કોઈ જગ્યાએ પગ મૂકાવાથી જીવની હત્યાનું પાપ, કોઈના વિશે કડવું બોલવાથી વાણીનું પાપ તેમજ કોઈને ઠેસ પહોંચાડવાથી માનસિક પાપ લાગતું હોય છે. આ પ્રકારના દોષો અને પાપોમાંથી મુક્તિ મેળવવા માટે ઋષિ પાંચમનું વ્રત અને દરિયાઈ સ્નાન અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ જ આસ્થાને કારણે વહેલી સવારથી જ દરિયાકાંઠે ભક્તોની ભારે ભીડ જામી હતી.
ભક્તોને આવવા-જવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા આગોતરૂૂ આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ ’એકસ્ટ્રા’ બસો દોડાવવામાં આવી હતી, જેના કારણે દૂર-દૂરથી આવતા મુસાફરોને મોટી રાહત મળી હતી અને વાહનોની સુગમ વ્યવસ્થા રહી હતી.
આ પવિત્ર દિવસે આહાર સંયમનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ’સામો’ (મોરૈયો) અને દહીં ખાવાની પરંપરા હોવાથી આ પર્વને ’સામા પાંચમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ધાર્મિક નિયમો મુજબ આ દિવસે અનાજ અને મીઠાનું સેવન કરવાનું ટાળવામાં આવે છે. ભક્તોએ વિધિપૂર્વક પૂજા-અર્ચના કરી હતી અને પૂજા બાદ કળશ તથા પૂજા સામગ્રીનું દાન કરવાની પરંપરાનું પાલન કર્યું હતું. નિષ્કલંક મહાદેવના જયઘોષ સાથે કોળિયાકનો દરિયાકાંઠો આખો દિવસ ભક્તિમય માહોલમાં ડૂબેલો રહ્યો હતો.
